September 23, 2021
September 23, 2021

બાબુલ સુપ્રિયોને રાગ કેસરી ગાતા ના આવડ્યું…!

2014માં જોડાયા, 2021માં પાર્ટીને કહ્યું- અલવિદા….

ફિલ્મી કલાકરો રાજકારણમાં વધારે કેમ ટકતા નથી…?

શ્રીમાન બચ્ચન ના ચાલ્યા, શ્રીમતી બચ્ચન હજુ ટક્યા છે..

હીમેન ના ચાલ્યા, હેમા હજુ ટક્યા છે..

બાબુલે હવે દ્રાક્ષ ખાટી લાગી, મંત્રીપદે હજુ રાખ્યા હોત તો…?

બાબુલ તોરા કેસરી છૂટ્યો જાય…!!!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

બાબુલ મોરા નૈહાર છૂટો જાય…હિન્દી ફિલ્મોના જુના ગાયક કુંદનલાલ સહગલ-કે.એસ. સહગલ- દ્વારા આ ગીત 1938ની ફિલ્મ સ્ટ્રીટ સિંગરમાં ગાવામાં આવ્યું હતું. વિકિપિડિયા કહે છે કે આ ગીત મૂળ લખનૌના નવાબ વાજિદ અલી શાહ દ્વારા 1856માં લખવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજોએ તેને લખનૌથી દેશવટો આપીને કોલકતા મોકલી આપ્યો હતો. કન્યાની તેના પિતા (બાબુલ)ના ઘરેથી લગ્ન થયા બાદ વિદાય વખતે આ ગીત ગવાતું હશે. નૈહાર એટલે પિયર. અને પિયર એટલે માતાપિતાનું ઘર. આ શાસ્ત્રીય ગીત ઠુમરી રાગ ભૈરવી પર આધારિત છે.જગજીતસિંગ દ્વારા પણ આ ગીત ગાવામાં આવ્યું છે.

ગાયક, લાઇવ પરફોર્મર, ટીવી હોસ્ટ, એકટર બાબુલ સુપ્રિયો. માર્ચ 2014માં ભાજપમાં જોડાયા અને રાજકારણી બન્યા. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળની આસનસોલ બેઠક પરથી જીત્યા. તેમને રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવવામાં આવ્યાં. તાજેતરમાં બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ટોલીગંજ બેઠક પરથી ઉભા રાખ્યા. સાંસદ, કેન્દ્રીય મંત્રી છતાં તેઓ વિધાનસભામાં હારી ગયા. કેન્દ્રીય મંત્રીમંડળનું હમણાં જ વિસ્તરણ કર્યું અને 43 મંત્રીઓને ઉમેરવામાં આવ્યાં ત્યારે જેમની બાદબાકી થઇ તે મંત્રીઓમાં બાબુલનો પણ નંબર લાગ્યો. મંત્રીમંડળમાંથી દૂર કર્યા બાદ બાબુલે એવો પ્રતિભાવ આપ્યો કે પાર્ટી દ્વારા તેમને ના કહેવાની રીટ તેમની રીતે યોગ્ય નહોતી. દુખ વ્યકત કર્યું અને છેવટે ફેસબુકના માધ્યમથી ભાજપ, રાજકારણને અલવિદા…નો સંદેશો આપીને આંચકો આપ્યો.

તેઓ મૂળ ગાયક કલાકાર, અભિનેતા એટલે રવિશંકરપ્રસાદ, પ્રકાશ જાવડેકરની જેમ પાકા રાજકારણી ના બની શક્યા. નહીંતર અલવિદા ના કહેત પણ રવિ-પ્રકાશની જેમ સંગઠનના કામની રાહ જોતા હોત…હશે. જેનો જેવો સ્વભાવ. ગાયક કલાકાર બાબુલ સુપ્રિયોએ ભાજપ છોડતવાના નિર્ણયની પોસ્ટ ફેસબુક પર લખી ત્યારે કુંદનલાલ સહગલના રેશમી કંઠે ગવાયેલુ બાબુલ મોરા નૈહર છૂટો જાય…ગીત કદાજ મનમાં યાદ કર્યુ હશે…! કલાકારોની આ ખાસિયત છે કે ખામી, પણ રાજકારણમાં તેઓ વધારે ટકતા નથી. કારણ તેઓ જાણે.

હિન્દી ફિલ્મોમાં નજર નાંખીએ તો અમિતાભ બચ્ચન પણ કોંગ્રેસમાંથી ઉભા રહીને સાંસદ બન્યા હતા. ના ચાલ્યા. સુનીલદત્ત પણ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રિય મંત્રી પણ બન્યા હતા. વિનોદખન્ના ભાજપમાંથી જીત્યા અને અટલ સરકારમાં મંત્રી પણ બન્યા. પણ વધારે ના ટક્યા. ધર્મેન્દ્ર બીજી પત્ની હેમામાલિનીના ડગલે ચાવીને ભાજપમાં જોડાયા, સાંસદ બન્યા અને ખેતીમાં લાગી ગયા તો હેમા માલિની હજુ પણ ભાજપમાં સાંસદ છે. જયા બચ્ચને સપાને પસંદ કરી અને સાંસદ છે.

દક્ષિણ ભારતમાં તો ફિલ્મ કલાકારો રાજકીય પાર્ટીમાં જોડાતા નથી પણ પોતાની જ અલગ પાર્ટી બનાવીને સત્તા ભોગવે છે…! રજનીકાંતે પણ પોતાની પાર્ટીની જાહેરાત કરી હતી પણ પછી તેમને શું અનુભવ થયો કે શું થયું કે પાર્ટીની સ્થાપના પહેલા જ વિસર્જન…! કમલ હાસને નવી પાર્ટી બનાવી. ચૂંટણી પણ લડ્યા પરંતુ રજનીકાંત કેમ ના આવ્યાં રાજકારણમાં….?

ગુજરાત ભાજપમાં એક સમયે રામાયણ સિરિયલના લંકેશ અરવિદ ત્રિવેદી અને સીતા દિપિકા ચિખલિયા ભાજપમાં જોડાયા હતા. કોરોનાની પહેલી લહેરમાં લગભગ સાથે વિદાય લેનાર કનોડિયા બંધુ પણ વધારે સમય રાજકારણમાં આપી ન શક્યા. નરેશપુત્ર હિતુ કનોડિયા હાલમાં ભાજપના ધારાસભ્ય છે. ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી (લંકેશના બંધુ) પણ રાજકારણમાં જોડાયા હતા. તેઓ ભાજપને બદલે કોંગ્રેસની ટિકિટ પર બે વાર ધારાસભ્ય બન્યા. ત્રીજીવાર ટિકિટ ના મળી તો અપક્ષ તરીકે જીત્યા અને ભાજપના ટેકાથી વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ બન્યા હતા.

15 ડિસેમ્બર 1970માં જન્મેલા 50 વર્ષિય બાબુલ સુપ્રિયોએ અલવિદા..વખતે લખ્યું કે સમાજ સેવા માટે રાજકારણમાં હોવુ કાંઇ જરૂરી નથી….! રહી રહીને ખબર પડી…? જો મંત્રીપદે હજુ હોત તો…? અંગૂર સહદ કી તરહ મીઠે….હેજી .! અને મંત્રીપદ ગયા પછી- છોડો યાર અંગૂર તો ખટ્ટે હેજી ;ચલો કોલકાતા..! રાજકિય પરિપકવતા રાતોરાત આવતી નથી. બાબુલ મોરા….એમાં ઉણાં ઉતર્યા….તેમણે ગાયક તરીકે ઘણાં ગીતો ગાયા, ઘણાં શાસ્ત્રીય રાગોથી પરિચિચ પણ હશે પરંતુ રાગ કેસરી ગાતા ના આવડ્યું…! હવે કરો સમાજ સેવા…! બાબુલ તોરા કેસરી છૂટ્યો જાય…!!!

 55 ,  1