September 20, 2021
September 20, 2021

બનાસકાંઠા : મુડેઠા ગામના સરપંચની હત્યા, ટ્રેકટરથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધા

નોકરીમાંથી છૂટો કરતા ડ્રાઇવરે અદાવત રાખી ખેલ્યો ખૂની ખેલ

બનાસકાંઠા જિલ્લાના ડીસાના મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડની મોડી રાત્રે કરપીણ હત્યા કરવામાં આવી હતી. સરપંચની હત્યાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પંચાયતમાંથી નોકરીમાંથી છુટ્ટા કરેલા ડ્રાઈવરએ અદાવતમાં હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આરોપીએ ટ્રેક્ટરની ટક્કર મારી સરપંચની હત્યા કરી હોવાનો આરોપીએ કબૂલાત કરી હતી. ભીલડી પોલીસએ સરપંચની હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. જે બાદ કોઇ કારણોસર તેમને છૂટા કરવામાં આવ્યા હતા. જેના કારણે મનદુ:ખ થતા શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ પાસે ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી.

આ ઘટનાની જાણ થતાં જ ઇન્ચાર્જ PSI એ ઘટનાસ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ કલમ 302 અને 307 મુજબ ગુનો દાખલ કરી કાન્તિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવી વાલી વારસોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, સરપંચના મોતથી ગામમાં ભારે શોક છવાઇ ગયો છે. જો કે, તેઓની અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. દરમિયાન કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટે એ માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરી તેનો કોરોનાનો રિપોર્ટ કરાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

 65 ,  1