September 28, 2020
September 28, 2020

બનાસકાંઠા: અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રહેશે

 પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરનો મહત્વનો નિર્ણય, 12 દિવસ સુધી બંધ રહેશે કપાટ

રાજ્યના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મેળા વખતે અંદાજે 25 લાખ લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો પણ ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં.

ભાદરવી પૂર્ણિમાના સાત દિવસીય મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટતા હોય છે. પરંતુ પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું કે,  કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા 27 જુલાઇથી અનલોક 3 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ ધાર્મિક મેળાવડા, સામાજીક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધિત છે.

તેમણે કહ્યું કે, રાજય સરકારના 8 ઓગસ્ટના હુકમ મુજબ આગામી ભાદરવી પૂનમના મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની તથા તેના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, શોભા યાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજય સરકારે હુકમ કર્યો છે.

કલેકટરે કહ્યું કે, આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો 27 ઓગસ્ટથી થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં યોજાનાર હતો. આ ભાદરવી પૂનમના મહામેળામાં આશરે 25 લાખથી વધુ યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. ગત વર્ષોના અનુભવો મુજબ ભાદરવી પૂનમના મેળા પહેલા ત્રણ થી ચાર દિવસોમાં અને મેળા બાદ પણ બે થી ત્રણ દિવસ યાત્રાળુઓની ખૂબ જ ભીડ હોય છે. અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક 3 થી 4 લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ રહેલી છે. મંદિર ખુલ્લુ રાખતા યાત્રાળુઓનો ધસારો વધી જાય તો કાયદો વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બને

આ તમામ વિગતો ધ્યાને લઈ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર