રોડ રસ્તાની કામગીરી માટે અમદાવાદ મનપાએ નોંધાવી નાદારી

સમારકામ માટે ફાળવાયેલી ગ્રાન્ટ સામે સવાલ!:

ગુજરાત હાઈકોર્ટના વારંવારના ઠપકા અને લપડાક સાંભળી ચૂકેલા અમદાવાદ મનપાના અધિકારીઓએ હવે કોર્ટમાં નાદારી નોંધાવી છે. રોડના સમારકામ માટે હાઈકોર્ટે ખખડાવતા મનપાના અધિકારીઓએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ અમારી પાસે ફંડ નથી. આવો જવાબ સાંભળી સૌકોઈ ચોકી ઉઠ્યું હતું. કે રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી કોર્પોરેશન પાસે રોડ રસ્તાના સમારકામ માટે પૈસા નથી!

મનપાના જવાબથી રાજ્ય સરકારના રોડના સમારકામ માટે 90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં હોવાની જાહેરાત સામે પણ સવાલ ઉભા કરી દીધા છે. જો રાજ્ય સરકારે ફંડ આપ્યું છે તો મનપા કેમ ખોટું બોલી રહી છે? અને જો સરકારે ફંડ નથી આપ્યું તો મુખ્યમંત્રી કેમ ખોટું બોલ્યા આ મોટો પ્રશ્ન થઈ પડ્યો છે. હવે કોર્ટમાં અને જનતા સમક્ષ કોણ ખોટું બોલી રહ્યું છે તે જોવાનું છે.

હાઈકોર્ટમાં અમદાવાદ શહેરમાં રોડ રસ્તા અને રખડતાં ઢોર મુદ્દે થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે મનપાની કામગીરીની ઝાટકણી કાઢતાં અધિકારીઓને કોર્ટમાં ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કામ કાગળ પર નહીં રસ્તા પર દેખાડો, કામગીરી એફિડેવિટમાં નજરે પડે છે રસ્તા પર કંઈ કામગીરી જોવા મળતી નથી. રસ્તા પર હજી પણ રખડતાં ઢોર જોવા મળે છે. તૂટેલા રોડના કારણે રસ્તા પર પ્રજા પીડાય છે.

થોડા સમય પહેલા રોડની કામગીરીની બેદરકારીના ફોટો વાયરલ થયા હતાં. મ્યુનિસિપલ કમિશનર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કામગીરીની પોસ્ટ મૂકતા હોય છે પણ હજી ઘણા રસ્તા છે જે તૂટેલા છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી