‘છૂટાછેડા આપ નહીં તો આત્મહત્યા કરી તને જેલમાં પુરાવીશ’ પતિની ધમકી બાદ પત્નીની ફરિયાદ

બાપુનગર પોલીસે એલ.જી.હોસ્પિટલની નર્સની ફરિયાદ આધારે તપાસ શરૂ કરી

‘છૂટાછેડા આપ નહીં તો આત્મહત્યા કરી તને જેલમાં પુરાવીશ’ આવી ધમકી બાદ એલ.જી.હોસ્પિટલની નર્સે પતિ સામે ફરિયાદ નોંધાવી છે. બાપુનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ છૂટાછેડા લેવા દબાણ કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

રખિયાલ રહેતી મહિલા એલજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. મહિલા લગ્ન 26 નવે. 2016ના રોજ જશોદાનગર ચર્ચમાં સામાજિક રિવાજ મુજબ હેમંત સાથે થયા હતા. લગ્ન બાદ મહિલા પતિ સાથે CTM ખાતે મારુતિ ફ્લોરા ફ્લેટમાં રહેવા ગઈ હતી. જો કે, 2 વર્ષ બાદ મહિલા પતિ સાથે તેના માતા-પિતાને ઘરે રહેવા આવી હતી. ત્યારબાદ 2018માં પુત્રીને જન્મ આપ્યો હતો. દિકરી દોઢ વર્ષની થઈ બાદમાં પતિનું વર્તન બદલાવવા લાગ્યું હતું. આ દરમિયાન પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધો હોવાની જાણ ફરિયાદી મહિલાને થઈ હતી.

મહિલાએ આ બાબતે પતિ સાથે વાત કરતા તે ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. પત્નીને અપશબ્દો બોલી ઝઘડા કરતો હતો. મહિલાને આ બાબતે તેના માતા-પિતાને વાત કરતા પતિએ અન્ય સ્ત્રી સાથે તેના સબંધોનો સ્વીકાર કર્યો અને પત્નીએ જણાવ્યું કે, મારે તારી સાથે છૂટાછેડા લઈ તેની જોડે લગ્ન કરવાના છે. ઉપરાંત તું બહુ જાડી છે, મને ગમતી નથી. મારે તને રાખવી નથી તેમ કહી પતિ પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. દીકરીનો વિચાર કરી મહિલા પતિ સાથે રહેતી હતી. પતિને પરસ્ત્રી સાથેના આડા સંબંધોથી રોકવાનો પ્રયાસ કરનાર પત્નીને તે ત્રાસ આપતો હતો.

આ બનાવને પગલે મહિલાના માતા-પિતાએ 21 જાન્યુ. 2021ના રોજ જમાઈ હેમંત અને તેના પિતાને સમાધાન માટે ઘરે બોલાવ્યા હતા. તે સમયે પતિએ પત્ની પર દોષનો ટોપલો ઢોળી મારે તારાથી છૂટાછેડા લેવાના છે, જો તું છૂટાછેડા નહીં આપે તો તારા મકાનમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી લઈશ.

મહિલાના પરિવારે શાંતિથી વાત કરવા કહેતા, હેમંતે સાસુ-સસરાને અપશબ્દો બોલી કહ્યું, તું અને તારી દીકરી તમારી રીતે જીવી લેજો, હું બીજી પત્ની કરવા જાવ છું. તેમ કહી પતિ નીકળી ગયો હતો. તે પછી પણ હેમંત અવારનવાર ફોન કરી તું છૂટાછેડા નહી આપે તો હું આત્મહત્યા કરી મરી જઈશ અને તને અને તારા પિયરવાળાને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપતો હતો. મોસ્કીને પતિને પોતાને તેડી જવા અને સ્વીકારી લેવા વિનંતી કરવા છતાં પતિ માન્યો ન હતો. આ બનાવ અંગે મોસ્કીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર