બંગાળ- દીદી સામે “દાદા”…! તેરા ક્યા હોગા રે પંજા…?!!

વિવેકાનંદ જયંતિએ સૌરવ ભાજપમાં જોડાશે…?

બંગાળી બાબુએ રાજ્યપાલની મુલાકાત લીધી અને અટકળોનો વાયરો ફૂંકાયો…!!

બંગાળી દીદીની સામે બંગાળી દાદાની રાજકીય મેચ યોજાશે…?

બીસીસીઆઇમાંથી બંગાળની ચૂંટણીઓમાં ધૂંઆદાર બેટીંગ માટે દાદા કેસરી બેટ સાથે ઉતરશે…?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

તેને પ્રિન્સ ઓફ કોલકાતા કહેવામાં આવે છે. તે ક્રિકેટની રમતમાં ગોડ ઓફ ધી ઓફ સાઇડ કહેવામાં આવે છે. 8, જુલાઇ 1972માં જન્મેલા 48 વર્ષિય આ બાબુમોશાય ક્રિકેટની રમતમાં બોલિંગ કરે છે જમણા હાથે-રાઇટ આર્મ મિડિયમ અને બેટીંગ કરે છે ડાબા હાથે. પ્રથમ વન-ડે મેચ રમી 11, જાન્યુઆરી 1992માં..પ્રથમ ટેસ્ટ રમ્યા 20, જૂન 1996. છેલ્લી વન-ડે રમ્યા-15, નવે. 2007 અને છેલ્લી ટેસ્ટ પૂરી કરી 6, નવે. 2008માં. ત્યારબાદ કોમેન્ટરી, કોચની સફર બાદ દુનિયાના સૌથી વધુ ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇના પ્રેસિડેન્ટ બનીને ભાજપના કદાવર નેતા અમિત શાહની સાથે સપર્કમાં આવીને હવે પોતાના હોમસ્ટેટમાં સીએમ બને તે તરફ રાજકિય પ્રયાણ અને પ્રદાન તરફ આગેકૂચ….!!

સૌરવ ચંડીદાસ ગાંગુલી. યસ…સોહામણા અને લાક્ષણિક મલકાટના માલિક સૌરવ ક્રિકેટ બાદ રાજકિય ઇનિંગ રમવાની તૈયારીમાં હોય તેમ બંગાળના રાજયપાલ જગદીપ ઘનખડ સાથે ખાસ્સી એક કલાક મિટીંગ કરી. 11 જાન્યુઆરી, 1992ના રોજ પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ હવે 11 જાન્યુ. 2021ના રોજ તેઓ કોલકાતામાં અમિત શાહની હાજરીમાં કેસરિયો બાલમ બની જાય તેવી એક પછી એક રાજકિય ઘટનાઓ આકાર લઇ રહી છે. રાજકારણમાં આવવા માટે તેમણે રાજ્યપાલની મુલાકાત લીધી હોય તેમ નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે.

ક્રિકેટ જગતમાં દાદાના હુલામણા નામે જાણીતા 48 વર્ષિય સૌરવ ચં.ગાં.નો મુકાબલો બંગાળના રાજકારણમાં દીદીના હુલામણાં નામે જાણીતા 70 વર્ષિય સીએમ મમતા બેનર્જીની સામે થાય તેમ છે. બંગાળમાં નવા વર્ષમાં એપ્રિલ-મેમાં 294 બેઠકો ધરાવનાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. 2016માં આ જ ગાળામાં ચૂંટણીઓ યોજાઇ હતી. પાંચ વર્ષમાં મમતાની સામે ઘણું બદલાઇ ગયું છે. લાલ બિરાદર સામ્યવાદીઓની સરકારને ઉખાડી ફેંકનાર ટીએમસીના એકલા ચલો રે…ની નીતિમાં માનનાર મમતાની સરકારને ઉખાડી ફેંકવાની હાકલ કેસરિયા બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. અને લોહે કો લોહા કાટતા હૈ..કહેવત અનુસાર ભાજપે મા-માટી-માનૂષના બંગાળી નેતા મમતાને ચકરાલે ચઢાવવા બંગાળી બાબુમોશાય સૌરવને ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવાની રણનીતિ અપનાવે તો નવાઇ નહીં.

પ. બંગાળમાં મમતાએ આખા રાજ્યની ગલીએ ગલીએ પ્રવાસ કર્યો છે અને ટીએમસીના પાયો નાંખ્યો છે. સૌરવ તેમની સામે કોઇ કદાજ નવો નિશાળિયો કહી શકાય. પણ જો તેમને બંગાળના ભાવિ સીએમ તરીકે ભાજપ આગળ કરશે તો તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપની આખી ફૌજનો સાથ સહકાર મળવાનો છે. નીતિ-રણનીતિ મોદી અને અમિતભાઇ શાહની રહેવાની હોવાથી ગાંગુલીએ ભીતિ રાખવી નહીં પડે. હાં, એટલુ ખરૂ કે જો તેઓ ગૌતમ ગંભીરની જેમ ભાજપમાં જોડાઇને રાજકારણમાં પદાર્પણ કર્યો નથી કે તેમના વિષેની ખરી-ખોટી વાતો, રમતમાં નિષ્ફળતા અને સૌરવ ક્યાં ક્યાં ફેલ ગયો તેની ઢગલે ઢગલે માહિતીનો રસ-થાળ સોસ્યલ મિડિયામાં ચાખવા મળશે…!! કુછ ખટ્ટા..કુછ મીઠ્ઠા…રોસેગુલ્લાની જેમ…!! તેમના જીવનની તમામ વાતો આવશે વોટ્સએપ યુનિ.ના સિલેબસમાં….!!

2016માં 294માંથી જીતવા માટે જરૂરી એવા 148 રનની સામે 211 બેઠકો (રન)ના ઉંચા સ્કોર સાથે વિધાનસભાની મેચ જીતનાર ઓલરાઉન્ડર કપ્તાન મમતા બેનર્જી-દીદી આ વખતે પણ મેદાનમાં એકલા જ બેટીંગમાં ઉતરે તેમ છે. જો દાદા ભાજપમાં પ્રવેશ કરશે તો તેમણે દીદીની સામે 211 કરતાં વધારે રનનો ઢગલો સ્કોર કરીને ભાજપનું આમાર સોનાર બાંગ્લા…નું સ્વપ્ન સાકાર કરીને બતાવવું પડશે…!!

11 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મ દિન છે. અમિતભાઇ શાહ 11મીએ બંગાળમાં છે અને એ દિવસે સૌરવ ભાજપમાં જોડાય એવી અટકળો એ હવા….એ હવા…ઉસકા પતા દે…ની જેમ સારે મુલક કો પતા ચલેંગા. દાદાનું નવું રાજકિય રૂપ જોવા અને સાંભળવા માટે 11 જન્યુઆરીની રાહ જોઇએ….

કમ સપ્ટેમ્બર….ની જેમ કમ જનવરી…અને મોદીજીને શાહ કહેશે- ડોન્ટવરી…દાદા માની ગયા છે….દીદીનો કિલ્લો હવે….? !! 26 મેના રોજ કોલકાતામાં ભાજપના સીએમની શપથવિધિ માટેની કરો તૈયારી..આ રહી હૈ ભાજપ સવારી….!! બંગાળમાં મુખ્ય હરિફાઇ ટીએમસી અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસનો પંજો….? 294માંથી કેટલી બેઠકો આપીશું કોંગ્રેસને…? 2…9….કે 4…કે પછી 2+9+4 =15…..? ????

-દિનેશ રાજપૂત

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર