સાવધાન અમદાવાદવાસીઓ..! ફરી વધ્યો કોરોનાનો ખતરો, તંત્ર દોડતું થયું..

ટેસ્ટિંગ વધારવા AMCએ સૂચના આપી..

અમદાવાદીવાસીઓ હવે સાવધાન થઈ જજો. તહેવારોમાં સરકાર તરફથી મળેલી છૂટછાટ હવે ધીમે ધીમે પોતાનો રંગ દખાડવા લાગી છે. ગઇકાલે અમદાવાદમાં 14 કેસ નોંધાતા તંત્રનો જીવ અધ્ધર થયો છે. ગઈકાલે 16 અને આજે નવા 14 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇસનપુરના 20 ફ્લેટના 85 રહીશો માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમણના નવા કેસ સામે આવવા લાગ્યા છે. જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લાંબા સમયબાદ અમદાવાદમાં કેટલીંક સોસાયટીઓને માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. આજે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં એક વિસ્તારને માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરવાની ફરજ પડી છે. ઈસનપુરના દેવ કાસલ ફ્લેટને માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા છે. આ ફ્લેટના 20 ઘરના 85 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

કોરોનાના કેસો વધતા AMC એલર્ટ, રસીકરણને અપાયો વધુ વેગ

ગુજરાતમાં તહેવારોમાં લોકોની વધેલી અવર જવર અને કોરોના ગાઇડ લાઇનના ભંગના પગલે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે AMC આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોમ બનાવીને કોરોના ટેસ્ટિંગની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશને ટેસ્ટિંગ માટે 30થી 40 જગ્યાએ નવા ડોમ ઉભા કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં શહેરના એન્ટ્રી પોઇન્ટ બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના હજારો મુસાફરોની અવર-જવર કરે છે. જ્યાં આરોગ્ય તંત્રની ટીમ દિવસના ફક્ત 100 લોકોના ટેસ્ટિંગથી જ કામ ચલાવી રહી છે.. હજારોની ભીડ વચ્ચે 100 લોકોના જ ટેસ્ટિંગથી કોઈ સંક્રમિત છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે તે મોટો સવાલ છે..

આરોગ્ય તંત્રની ટીમ દાવો કરી રહી છે કે મહારાષ્ટ્ર, હૈદરાબાદ, પશ્ચિમ બંગાળ તરફથી આવતી ટ્રેનોના મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રોજ થતા RTPCR ટેસ્ટના રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવે છે.. જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની કે હોમ આઈસોલેશનમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવે છે.

એક તરફ જ્યાં શહેરમાં ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જ રસીકરણની કામગીરીને પણ વેગ આપવામાં આવ્યો છે. જે મુસાફરોએ વેક્સિન ન લીધી હોય તેમને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. બીજી તરફ જે મુસાફરોને બીજો ડોઝ લેવાનો બાકી છે તેવા લોકો પણ સામેથી આવીને રસી લઈ રહ્યા છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી