ઝઘડિયા : ગુમાનદેવ નજીક અજાણ્યા વાહને ત્રણ મહિલાઓને અડફેટે લેતાં મોત, ગામ લોકોએ કર્યો ચક્કાજામ

એક સાથે ત્રણ મહિલાઓના મોત થતાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા

ઝઘડિયાના ગુમાનદેવ નજીક અજાણ્યા વાહનની અડફેટે 3 મહિલાના મોત થયા છે. બે મહિલાના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમ્યાન મોત નિપજતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ભારે વિરોધ સાથે ગ્રામજનો દ્વારા સ્પીડ બ્રોકર મુકવી માંગ કરી હતી. ત્રણ મહિલાઓના મોતને પગલે ગામના લોકો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે આજે સવારી ઉચેડીયા ગામની ત્રણ મહિલાઓ શાકભાજી વેચવા જઈ રહી હતી, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેને કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.

રોડ ઉપર બમ્પર ન હોવાથી બમ્પર બનાવવાની માંગ સાથે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. બમ્પર ન હોવાથી અહી વારંવાર અકસ્માત થાય છે અને લોકોના જીવ જોખમાય છે. ગુમાનદેવ નજીક રોડ પર મૃતદેહો મૂકી લોકોએ તાત્કાલિક બમ્પર બનાવવાની માંગણી કરી હતી.

સીસીટીવી ન બતાવતા મંદિરના મહારાજની કરી ધોલાઈ

જે સ્થળ પર અકસ્માત થયો હતો તે ગુમાનદેવ મંદિરની બહાર સીસીટીવી કેમેરા લાગ્યા હતા. ત્યારે સ્થાનિકોએ મંદિરના મહારાજને સીસીટીવી બતાવવા માંગણી કરી હતી, જેથી કઈ ગાડી અને કયા ચાલકે અકસ્માત સર્જયો તે જાણી શકાય. પરંતુ મહારાજે લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને સીસીટીવી બતાવવાની ના પાડી હતી.

મંદિરના સીસીટીવી કેમેરા ચાલતા ન હોવાનું મહારાજે જણાવતા લોકોનું ટોળુ ઉશ્કેરાયું હતું. તેથી મદદ ન કરતા મહારાજને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. એકત્રિત થયેલી મહિલાઓએ ધક્કા મુક્કી કરી મંદિરના મહારાજને બહાર લઈ આવી હતી. અને તેમની જાહેરમાં ધોલાઈ કરી.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર