September 20, 2021
September 20, 2021

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકેના લીધા શપથ

રાજયપાલ આચર્ય દેવવ્રતે લેવડાવ્યા સોગંદ

અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે આજે બપોરે 2.20 વાગ્યે વિજય મુહૂર્તમાં ગુજરાતના 17માં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદના હોદ્દો અને ગોપનિયતાના સોંગદ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ભાજપના કેન્દ્રીય નેતાઓ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારે પૂર્વ સીએમ વિજય રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા, દર્શના જરદોશ પણ શપથગ્રહણ સમારંભમાં હાજર રહ્યાં હતાં. સીએમે શપથ લઈ લીધા બાદ હવે તેમની ટીમમાં કોને-કોને સામેલ કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, રુપાણીની ટીમના કેટલા મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળે છે અને કોની-કોની એક્ઝિટ થાય છે?

55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.

5 વર્ષ બાદ પાટીદાર સમુદાયમાંથી બન્યા સીએમ

નોંધનીય છે કે ભાજપે 5 વર્ષ બાદ કોઈ પાટીદારને ફરીથી રાજ્યની કમાન સોંપી છે. મોદી-શાહે બહુ સમજી વિચારેલી રણનીતિ હેઠળ આ પગલું ઉઠાવ્યું છે. જેના દ્વારા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી નારાજ પાટીદાર સમુદાયને ખુશ કરવા માંગે છે.

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં પાટીદાર સમુદાય ધન-બળ બંને રીતે શક્તિશાળી ગણાય છે. ભાજપના બે દાયકાથી વધુ ચાલી રહેલી વિજય અભિયાનમાં આ સમુદાયની મોટી ભૂમિકા છે. 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું. તેઓ આ સમુદાયમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલના હાથમાં રાજ્યનું નેતૃત્વ સોંપીને ભાજપ હાઈકમાને પાટીદાર કાર્ડ ખેલ્યું છે.

પાટીદાર સમુદાયની તાકાતને એ વાતથી સમજી શકાય છે કે રાજ્યમાં 70થી વધુ ચૂંટણી બેઠકોનું પાસું પલટાઈ શકે છે. 2022માં રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપે આ કાર્ડ દ્વારા પાટીદાર સમુદાયના મનામણાની કવાયતમાં મોટું પગલું ભર્યું છે.

4 રાજ્યોના મુખ્યમંત્રી રહેશે હાજર

આ શપથવિધિ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, અસમના સીએમ હિમંત બિસ્વા પણ હાજર રહેશે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહી શકે છે.

 121 ,  1