ધોરણ 9થી12ની પરીક્ષાના પ્રશ્નોપત્રોને લઈને મોટો નિર્ણય

સ્કૂલોના પ્રશ્નોપત્રો તૈયાર કરવાનું બોર્ડનું આયોજન અંતે પડી ભાંગ્યું…

રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ.9થી 12ની પરીક્ષા એક સમયે યોજાય અને આખા રાજ્યના પ્રશ્નપત્ર પણ એક સમાન રહે તેવી શિક્ષણ બોર્ડની યોજના પર શાળા સંચાલકોની જીદે પાણી ફેરવી દીધું છે. બોર્ડે પ્રથમ સત્રની પરીક્ષામાં સ્કૂલોને પ્રશ્નપત્ર સ્વિકારવાનો વિકલ્પ આપ્યો હતો. પરંતુ આજે શિક્ષણ બોર્ડે પરિપત્ર દ્વારા કરેલી જાહેરાત મુજબ પ્રશ્નપત્ર કાઢવાની ના પાડી ફરીથી સ્કૂલોને સત્તા સુપ્રત કરી દીધી છે. જેથી હવે પહેલાની જેમ સ્કૂલોએ પોતે અથવા તો એસવીએસ મારફતે પ્રશ્નપત્રો કાઢી શકશે.

ધોરણ.9થી 12ના પ્રશ્નપત્ર બોર્ડ તૈયાર કરે તેવો નિર્ણય 2020માં લેવાયો હતો પરંતુ કોરોનાના કારણે અમલવારી ચાલુ શૈક્ષણિક વર્ષથી કરાઈ હતી. ધો.9-10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ધો.11-12માં ગણિત, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળતત્વો, વાણિજ્ય, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના પેપર બોર્ડે તૈયાર કરવાનું 8 સપ્ટેમ્બરે પરિપત્ર દ્વારા જાહેર કર્યું હતુ. પરંતુ સંચાલકોએ વિરોધ કર્યો હતો. જેથી બોર્ડે ગત 29 નવેમ્બરના રોજ સ્કૂલોને પ્રશ્નપત્ર સ્વિકારવાનો વિકલ્પ આપ્યો હતો. જેમા રાજ્યની 50 ટકાથી વધુ સ્કૂલોએ બોર્ડના પ્રશ્નપત્ર સ્વિકાર્યાં જ નહી. સુરત, અમરેલી, ખેડા, બનાસકાંઠાની એકપણ સ્કૂલે બોર્ડના પ્રશ્નપત્રો સ્વિકાર્યા નહોતા. રાજકોટમાં માત્ર 1 ટકા સ્કૂલોએ જ પેપર સ્વિકાર્યાં હતા. બિરદાવા લાયક બાબત એ હતી કે, ડાંગ, દાહોદ અને આણંદ જિલ્લાની તમામ સ્કૂલોએ બોર્ડના પેપર સ્વિકાર્યાં હતા. જેથી બોર્ડે પેપર કાઢવાનો આખો કાર્યક્રમ પડતો મુકી પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે કે, આગામી જાન્યુઆરી-2022માં યોજાનાર ધોરણ.9થી 12ની બીજી પરીક્ષા અને ધોરણ.9 અને 11ની એપ્રિલ-2022માં યોજાનાર વાર્ષિક પરીક્ષા માટેના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી અથવા તો એસવીએસ કક્ષાએથી તૈયાર કરીને પરીક્ષા લેવાની રહેશે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી