બીગ ન્યૂઝઃ ગુજરાતમાં ત્રીજી લહેર માટે રોજના 30 હજાર કેસની ગણતરી…!

રાજ્યની તમામ હોસ્પિટલો અને મેડિકલ કોલેજને અપગ્રેડ કરાશે

30 એપ્રિલના રોજ ગુજરાતમાં દૈનિક કોવિડ -19 કેસોની સૌથી વધુ સંખ્યા 14,605 નોંધાઇ છે – જેનો અર્થ છે દિવસ દરમિયાન પ્રત્યેક એક મિનિટે સરેરાશ 10 કેસ નોંધાયા છે! ત્યારે ત્રીજી લહેર રાજ્યમાં શું લાવી શકે? કંપારી છૂટે તેવી આ કલ્પનાને આધાર બનાવીને જ રાજ્ય સરકાર અત્યારથી ત્રીજી લહેર માટે પોતાના સંસાધનોની તૈયારી કરી રહી છે. આ માટે રાજ્ય સરકાર દરરોજ 29,000 થી 30,000 કેસ આવશે તેમ માનીને તૈયારી કરી રહી છે.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ એક મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,રાજ્ય તંત્રનું ધ્યાન એ સુનિશ્ચિત કરવાનું છે કે ત્રીજી લહેર આવે જ નહીં, પરંતુ જો તેમ છતાં આવે તો અમે રાજ્ય સરકારની તમામ મશિનરીને એ માટે તૈયાર કરી રહ્યા છીએ અને વૈજ્ઞાનિક રીતે ત્રીજી લહેરનો જવાબ આપવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. ત્રીજી લહેરમાં બીજી લહેરની તુલનામાં મહત્તમ દૈનિક કેસો બમણા થઈ શકે છે. અમે જીલ્લા મુજબ એક્શન પ્લાન બનાવી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ સુનિશ્ચિત કરી રહ્યા છે કે તમામ નાગરિકોને પથારી, ઓક્સિજન અને દવાઓ મળે. રૂપાણીએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટૂંક સમયમાં અપગ્રેડ કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે જાહેર પરિવહન શરૂ કરવા, સરકારી અને ખાનગી કચેરીઓમાં 100% કર્મચારીઓને મંજૂરી આપવા અને સોમવારથી વ્યવસાયના કલાકોમાં વધારો સહિતના અનેક નિયંત્રણો હટાવ્યા છે. દૈનિક અને સક્રિય કોવિડ -19 કેસોમાં સતત ઘટાડો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીએમએ જણાવ્યું હતું કે, “બીજી લહેરમાં અમે પ્રમાણમાં ઓછા પ્રતિબંધો દ્વારા મહામારીને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો જેથી નાગરિકોને આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરવાની જરૂર ન પડે, અને તે પણ સુનિશ્ચિત કર્યું કે બિનજરૂરી રીતે અવરજવર પર પ્રતિબંધ ન રહે.” તેમણે વધુમાં કહ્યું કે “જ્યારે અન્ય ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન કરવાનું પસંદ કર્યું છે, ત્યારે અમે અન્ય પ્રતિબંધો સાથે મર્યાદિત લોકડાઉન કરવાનું પસંદ કર્યું છે. અમે હજુ પણ દૈનિક કોવિડ કેસો નીચે લાવી શકીએ છીએ. તેમજ કેસોમાં હવે ફરી ઉછાળો ન આવે તેની ખાતરી કરવા માટે અમે નિયમિતપણે પરિસ્થિતિની દેખરેખ રાખી રહ્યા છીએ.”

કોવિડ-19ના સપ્ટેમ્બર, નવેમ્બર અને એપ્રિલ એમ ત્રણ પીકનું વિશ્લેષણ જણાવે છે કે, પ્રથમ બે પીક વચ્ચે બહુ તફાવત નહોતો ,કારણ કે કેસ 1000 થી 1,600 ની આસપાસ હતા. પરંતુ એપ્રિલમાં ત્રીજો પીકમાં પાછલા બંને પીક કરતા નવ ગણા વધારે હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તંત્રને આટલા મોટા ઉછાળાને અનુરુપ તૈયાર થવામાં ખાસ્સો સમય લાગ્યો હતો.

 48 ,  1