બિહાર : મશીનમાં એક તરફ પ્લાસ્ટિક નાંખો, બીજી બાજુ નીકળશે મોંઘુદાટ પેટ્રોલ…

પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ બનાવનાર પ્રથમ પ્લાન્ટ

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે બિહારમાં દેશનો એવો પહેલો પ્લાન્ટ કાર્યરત થયો છે જે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવે છે. મુજફફરપુર જિલ્લામાં આ પ્લાન્ટનુ ઉદઘાટન બિહાર સરકારના મંત્રી રામસુરત રાયના હસ્તે થયુ હતુ. દેશનો આ પ્રકારનો પહેલો પ્લાન્ટ છે. જ્યાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવવામાં આવે છે.

જો આપણે કહીએ કે બિહારમાં એવું મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં તમે અહીંથી પ્લાસ્ટિક નાખશો તો ત્યાંથી પેટ્રોલ નીકળશે, તમને મજાક લાગશે પણ મુઝફ્ફરપુરમાં આવું થવા લાગ્યું છે. મોટી વાત એ છે કે માત્ર રૂ.6ની કિંમતના પ્લાસ્ટિકના કચરામાંથી રૂ.79નું ડીઝલ-પેટ્રોલ ઉત્પન્ન થાય છે.બિહારના મહેસૂલ અને જમીન સુધારણા પ્રધાન રામસુરત રાયે કુધની જિલ્લાના ખરોના ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી બળતણ એટલે કે પેટ્રોલ-ડીઝલ બનાવતા યુનિટનું ઉદ્ઘાટન કર્યું. દેશનો આ પહેલો એવો પ્લાન્ટ છે જ્યાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશો બનાવવામાં આવી રહી છે.

આ મશીન લગાવનાર ગ્રેવિટી એગ્રો એન્ડ એનર્જીના સુત્રોના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં દરરોજના 200 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 150 લિટર ડીઝલ અથવા 130 લિટર પેટ્રોલ તૈયાર કરવામાં આવશે. પહેલા કચરાને બ્યુટેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા પછી બ્યુટેન આઇસો-ઓક્ટેનમાં રૂપાંતરિત થશે. ત્યારબાદ મશીનમાં જ અલગ અલગ દબાણ અને તાપમાન દ્વારા આઇસો ઓક્ટેનને ડીઝલ અથવા પેટ્રોલમાં રૂપાંતરિત કરવામાં આવશે.આ રીતે સમજી લો કે ડીઝલને 400 ડિગ્રી સેલ્સિયસ અને પેટ્રોલને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બનાવી શકાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂન દ્વારા ડીઝલ અને પેટ્રોલની ટ્રાયલ કરવામાં આવી હતી, જે સફળ પણ રહી હતી. ડીઝલ અને પેટ્રોલમાં ઓક્ટેન વેલ્યુ વધુ હોવાને કારણે માઈલેજ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ આઠ કલાકનો સમય લાગે છે. કાચા માલની વાત કરીએ તો, પ્લાસ્ટિકનો કચરો મહાનગરપાલિકા પાસેથી રૂ. 6 પ્રતિ કિલોના દરે ખરીદવામાં આવશે. ખેડૂતો ઉપરાંત આ યુનિટમાં તૈયાર થતા ડીઝલ-પેટ્રોલનો સપ્લાય પણ મહાનગરપાલિકાને થશે. આ યુનિટ પેટ્રોલ અને ડીઝલ 70 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચશે. પહેલા જ દિવસે 40 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 37 લિટર ડીઝલ તૈયાર કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારની PMEGP યોજના હેઠળ 25 લાખ રૂપિયાની લોન લઈને આ યુનિટ ખોલવામાં આવ્યું છે. આ દેશ જ નહીં પરંતુ દુનિયાનો એક માત્ર એવો પ્લાન્ટ બની ગયો છે જ્યાં પ્લાસ્ટિકમાંથી ડીઝલ-પેટ્રોલ બને છે. તેની પેટન્ટ મુઝફ્ફરપુર સ્થિત સંસ્થા ગ્રેવીટી એગ્રો એન્ડ એનર્જીને મળી છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી