Bihar Chunav : બિહારના ચૂંટણી ‘રણમાં’ આજે ઉતરશે PM મોદી અને રાહુલ ગાંધી

બિહારમાં વડાપ્રધાન મોદી આજે ત્રણ રેલીઓનું સંબોધન કરશે 

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસારામ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કરવાના છે. રાહુલ ગાંધી પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવાદાના હિસુઆ અને ભાગલપુરના કહલગાંવમાં બે રેલીઓને સંબોધિત કરશે. કોંગ્રેસ અને રાજદ (RJD)ના સૂત્રોએ જણાવ્યું કે, મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ હિસુઆમાં રાહુલ ગાંધીની સાથે રહેશે. 

હિસુઆમાં કોંગ્રેસ ઉમેદવાર નીતૂ સિંહનો મુકાબલો ભાજપના વર્તમાન ધારાસભ્ય અનિલ સિંહ સામે છે. કહલગાંવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે શક્તિસિંહ ગોહિલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા રહેશે. 

વિપક્ષી જૂથમાં રાજદ નેતા તેજસ્વી યાદવ પોતાના પિતા લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં ચૂંટણી મેદાનમાં છે. તેજસ્વી દરરોજ આઠ-નવ રેલીઓને સંબોધિત કરી પોતાની પાર્ટી અને કોંગ્રેસ તથા ગઠબંધનના અન્ય પક્ષો માટે સમર્થન માગી રહ્યા છે. પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીની એન્ટ્રી સાથે રાજ્યના રાજકીય તાપમાનમાં ચોક્કસથી વધારો થવાનો છે. 

જણાવી દઇએ, ગઇકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 સૂત્ર, 1 લક્ષ્ય અને 11 સંકલ્પનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને બિહારને IT હબ બનાવવા, 1 લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગ સહીત કુલ ૧૯ લાખ લોકોને નોકરી આપવી, ૧ વર્ષમાં ૩ લાખ નવા શિક્ષકોની ભરતી, કઠોળની ખરીદી પણ MSP દ્વારા, દરભંગામાં ૨૦૨૪ સુધી એઈમ્સનું નિર્માણ કરવાના વાયદા કર્યા છે. ઉપરાંત કોરોનાને પણ ઘોષણાપત્રમાં સામેલ કરીને બિહારના લોકોને વેક્સીન મફત આપવાની વાત કરી હતી.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર