અજબ-ગજબ : પોલેન્ડથી કરોળિયાની ‘નિકાસ’ કરવામાં આવી..!

ચેન્નઇ એરપોર્ટ પર 107 જીવતા કરોળિયા ઝડપાયા

ગુજરાતીમાં કહેવત છે કે, કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય, તેમ છતાં કરે પ્રયાસ..એટલે કે કરોળિયો પોતાની જાળ બનાવવા માટે નીચે પડ્યા બાદ પણ સતત પ્રયાસો કરે છે. પરંતુ આવા નિર્દોષ કરોળિયાની આયાત કે નિકાસ થાય ખરી..? આવો જ એક રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો બન્યો છે.

ચેન્નઈ એરપોર્ટ પર એ સમયે હડકંપ મચી ગયો, જ્યારે કસ્ટમ અધિકારી એક પાર્સલને ચેક કરવા દરમિયાન તેમાં મળેલા ઘણા જીવતા કરોળિયાન જોયાં. આ બધા કરોળિયા પોલેન્ડથી તમિળનાડુમાં રહેતા એક શખસના નામે મોકલાયા હતા.

ચેન્નઈ એર કસ્ટમે પોલેન્ડથી આવલા પાર્સલને વિદેશી પોસ્ટ ઓફિસમાં પકડ્યું. પાર્સલ અરુપુકોટાઈ (તમિળનાડુ)માં એક વ્યક્તિને મોકલાયા હતા. વાઈલ્ડ લાઈફ કન્ટ્રોલ બ્યૂરો અને ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોને તેની ઓળખ માટે બોલાવાયા હતા. આ કરોળિયા જીનસ ફોનોપેલ્મા અને બ્રાચીપેલ્માના હોવાનું તેમનું માનવું હતું, જે સીઆઈટીઈએસ-લિસ્ટેડ ટારેંટુલા છે, કે જે દક્ષિણ, મધ્ય અમેરિકા અને મેક્સિકોમાં જોવા મળે છે.

જ્યારે આ પાર્સલને ખોલવામાં આવ્યું તો તેમાં એક થર્મોકોલનો ડબો હતો, જેમાં ફોયલ પોલિથીન અને કપાસમાં લપેટાયેલી પ્લાસ્ટિકની 107 નાની શીશી હતી. આ દરેક શીશીની અંદર જીવતા કરોળિયા હતા. આ પાર્સલને જપ્ત કરી લેવાયું હતું અને તેને પોલેન્ડ પાછું મોકલવા માટે પોસ્ટ ઓફિસના આધિકારીઓને સોંપી દીધું હતું.

એનિમલ ક્વારન્ટાઈન ઓફિશિયલે આ કરોળિયાની ગેરકાયદે મોકલાયા હોવાથી પાછા પોલેન્ડ મોકલવા ભલામણ કરી છે. ભારતમાં આયાત માટેના ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના લાઈસન્સ અને આરોગ્ય સંબંધી દસ્તાવેજ ન હતા.

ઉલ્લેખનીય છે કે,ભારતમાંથી વાઘ વગેરે પ્રાણીઓના ચામડા, સાપ જેવી ઘણી વસ્તુઓ ગેરકાયદેસ રીતે વિદેશમાં મોકલવામાં આવતી પકડાઈ છે. પરંતુ વિદેશમાંથી ભારતમાં આ રીતે કોઈ પશુ-પ્રાણીને ઘૂસાડાતું હોવાની ઘટનાઓ જવલ્લે જ સામે આવી છે. તેમાંય કરોળિયાને કોઈએ શા માટે વિદેશથી મંગાવ્યા હશે તે કુતૂહલનો વિષય બની ગયો છે.

 21 ,  1