અડવાણીને ન મળી ટીકિટ, શું હવે સન્યાસનાં દિવસો શરૂ ?

લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 184 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. આ યાદીમાં ગુજરાતની પણ એક લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે ગાંધીનગર લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. પરંતું ગાંધીનગર લોકસભા બેઠક પરથી શાહને પસંદ કરીને ભાજપે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપી દીધું છે.

અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી 1991, 1998, 1999, 2004, 2009 અને 2014 એમ છ વાર ચૂંટાયા હતા. 1996માં હવાલા કૌભાંડમાં સંડોવણીના કારણે અડવાણી ચૂંટણી નહોતા લડ્યા. અત્યાર સુધી આ સીટ પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણીની પાસે હતી. પરંતુ હવે આ સીટ પર અમિત શાહની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હવે અડવાણીનું નામ લોકસભા ચૂંટણીઓ માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદીમાં દાખલ નહીં હોવાથી તેમની રાજનીતિ સમાપ્ત થવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરથી છ વખત સાંસદ રહેલા અડવાણી 91 વર્ષના થઇ ચૂકયા છે. જો કે આ વખતે ભાજપની તરફથી સંકેત મળવા લાગ્યા હતા કે 75 વર્ષની ઉંમર પાર નેતાઓને ટિકિટ નહીં આપવાનું પાર્ટીએ પાક્કું મન બનાવી લીધું છે. તમને જણાવી દઇએ, ૧૯૯૦ના દાયકામાં રામ મંદિર આંદોલન અને રથયાત્રા દ્વારા અડવાણીએ સમગ્ર ભારત દેશમાં ભાજપની એક આગવી ઓળખ ઊભી કરી હતી.

દેશમાં ભાજપની લહેર ઊભી કરવાનું શ્રેય અડવાણીને જાય છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટી મજબૂત થતી ગઈ અને પછી ધીમે-ધીમે તે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને પડકાર આપનારી મુખ્ય પાર્ટી બની હતી. એટલું જ નહીં, લાલકૃષ્ણ અડવાણી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે ભાજપના એ નેતાઓમાં સામેલ છે જેમણે પાર્ટીને બે સીટોની પાર્ટીને આજે મુખ્ય પાર્ટી બનાવી દીધી છે.

ભાજપનું હાલનું સ્વરૂપ ઉભું કરવામાં આ બંને નેતાઓની અગત્યની ભૂમિકા રહી છે. નોંધનિય છે કે, ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાતની સાથે જ સસ્પેંસ ખત્મ થઇ ગયું જેમાં કહેવાતું હતું કે 91 વર્ષના અડવાણીની આ વખતે ટિકિટ કપાશે કે નહીં. જો કે ગઇ વખતે જ તેમની ટિકિટને લઇ ટકરાવ હતો. પરંતુ આ વખતે પહેલેથી જ કહેવાતું હતું કે 75ની ઉંમર પાર નેતાઓને ટિકિટ અપાશે નહીં અને એ જ થયું.

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી