સ્થાનિક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો, ‘આપ’ ફાવશે…?

ભાજપને કેટલાક ઉમેદવારો બદલવાની ફરજ પડી…

ગુજરાતમાં છ મનપા 31 જિલ્લા પંચાયત, 200 કરતા વધુ તાલુકા પંચાયત વગેરેની ચૂંટણીઓ જાહેર થઇ છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોમાં ટિકીટની વહેંચણીના મામલે અસંતોષ બહાર આવ્યો છે. ભાજપ કાર્યલયમાં અસંતુષ્ટ કાર્યકરોના ટોળે ટાળાની જેમ કોંગ્રેસ કાર્યલયમાં પણ વિરોધ વંટોળ જોવા મળ્યો છે. કોંગ્રેસે વિરોધને ટાળવા જે તે નક્કી કરેલ ઉમેદવારોની ટેલિફોનિક સંપર્ક કરીને ઉમેદવારી નોંધાવી દેવાની સૂચના આપી છે તો ભાજપમાં કેટલાક ઉમેદવારોને બદલવામાં પણ આવ્યા છે.

કોરોના મહામારીને કારણે અમદાવાદ મનપા સહિતની ચૂંટણીઓ લંબાવાઇ હતી. નવા વર્ષમાં કોરોના રસી આવ્યા બાદ ચૂંટણીઓ જાહેર થઇ છે. ખાસ કરીને ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઇને અસંતોષનો જુવાળ બહાર આવ્યો છે.

ગુજરાતમાં આ વખતે સ્થાનિક ચૂંટણીઓમાં દિલ્લીની આમ આમદમી પાર્ટીએ પણ પ્રવેશ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને માંથી જેમણે ટિકિટ નથી મળી તેઓ આમ આદમી પાર્ટી- આપ તરફ જઇ રહ્યા છે.

અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે સવારથી જ અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની લાઈન લાગી હતી. સવારે 10 વાગ્યે ઉમેદવાર તેમના ટેકેદારો સાથે કલેકટર ઓફિસે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કલેકટર ઓફિસ બહાર જોવા મળી રહ્યા છે. સૈજપુર બોધા, ઠક્કરબાપાનગર ​​​અને ​​​​ઈન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવાર તેમજ AIMMના જમાલપુર વોર્ડના બે ઉમેદવાર એઝાઝ મકતમવાલા અને યુનુસ શેખ ઉમેદવારીપત્ર ભરવા કલેકટર ઓફિસે આવ્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ અને અસંતોષને પગલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત વગર જે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે તેમને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી દેવાઈ છે. મોડી રાતે તમામ ઉમેદવારને જાણ કરી આજે ફોર્મ ભરવા જણાવ્યું છે. અમદાવાદમાં આ રીતે ટિકિટ-વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છે. NSUIના કાર્યકતાઓને ટિકિટ ન અપાતાં આજે કોંગ્રેસ ઓફિસે વિરોધપ્રદર્શન કરવા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

 37 ,  1