વિધાનસભા પેટાચૂંટણી : લાંબી મથામણ બાદ આખરે ભાજપે લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને ઉતાર્યા મેદાને

લીંબડી બેઠક પર ભાજપનું કોકડું ઉકેલાયું, આઠમી વખત કિરીટસિંહ રાણાને આપી ટિકિટ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે 8 માંથી 7 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. એકમાત્ર લીંબડી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત બાકી રાખી હતી. જોકે, લીંબડી બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. ત્યારે કિરીટસિંહ રાણા 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે.

લીંબડી બેઠક પર ઉમેદવારની પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બન્યો હતો. લીંબડીના સમીકરણ જોતા ભાજપ અવઢવમાં હતી. તો બીજી તરફ પરસોત્તમ સોલંકીએ હીરા સોલંકી માટે ટિકિટની માંગણી કરતા કોકોડું ગુંચવાયું હતું. કોળી સમુદાયના મતદારોના પ્રભુત્વને લઇ પણ માગ ઉઠી હતી. જો કે લીબડી બેઠકમાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાનું નામ ચર્ચામાં તો હતું સાથે પૂર્વ સાંસદ શંકર વેગડનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું.

જો કે આખરે ભાજપે કિરીટસિંહ રાણાના નામ પર મહોર લગાવી છે, લીંબડી બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. કિરીટસિંહ રાણા 1995-1997, 1998-2002, 2007-2012, 2013-2017 માં ધારાસભ્ય પદે રહ્યાં હતા. તો 1998-2002 અને 2007-2012 ની ટર્મમાં 2 વાર રાજયકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી કિરીટસિંહ રાણાનું નામ જાહેર કરાતાં ભાજપમાં અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોળી સમાજના આગેવાનો આ બેઠક પર કોળી ઉમદવારની માગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પક્ડયું હતું. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા જો કોળી સમાજના ઉમેદવારને ઉભો રાખશે તો આ વખતે લીંબડી બેઠક પર ફરી સૌની નજર રહેશે.

 79 ,  1