રાજ્યસભા ચૂંટણી: બે સીટ માટે ભાજપે ઉમેદવારના નામ કર્યા જાહેર

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.

આજે બંને ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારી નોંધાવશે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીને અલગ યોજવા માટે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

ભાજપના બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બપોરે વિધાનસભાના ત્રીજા માળે નાયબ સચિવ ચેતન પંડ્યાની ચેમ્બરમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક મળશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ ,પ્રદીપસિંહ જાડેજા , દંડક પંકજ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહેશે.

 16 ,  1