September 18, 2021
September 18, 2021

નરોડા વોર્ડના ભાજપ મંત્રીના ધરણા, કહ્યું – કોઈ સાંભળતું જ નથી…

 કોર્પોરેટરો અને અધિકારીઓ કામ નહીં કરતા હોવાના આક્ષેપ

અમદાવાદ ખાતે મ્યુ.કાઉન્સિલરો તેમજ અધિકારીઓ કામ ન કરતા હોવાના આક્ષેપ સાથે નોબલ નગર સિવિક સેન્ટર ખાતે નરોડા ભાજપના મંત્રી મયુરસિંહ વાઘેલા ધરણા પર બેઠા હતા. જ્યાં સુધી ફરિયાદોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેમ કહી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી હતી. જો કે શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેને નરોડા ખાતે જઈ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટરોની કામગીરીથી સ્થાનિક પ્રજા નારાજ થઈ છે. હંસપુરા ગામના સ્મશાનના વિવાદમાં પણ કોર્પોરેટરોએ સ્થાનિકોની મદદ ન કરી અને બિલ્ડરો સાથે મળી ગયા હોવાની ચર્ચા વચ્ચે હવે ખુદ ભાજપના જ મંત્રી કોર્પોરેટરો અને અધિકારીઓની કામગીરીથી નારાજ થઈ ધરણા પર બેસી ગયા હતા. સવારે નરોડા વોર્ડના ભાજપના મંત્રી મયુરસિંહ વાઘેલા નોબલનગર સિવિક સેન્ટર ખાતે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટરો અને અધિકારીઓ કામ નથી કરતા.

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરતા જણાવ્યું હતું કે, હું નોબલ નગર સીટીસિવિક સેન્ટર ધરણા પર બેઠો છું, જ્યાં સુધી લેવા પાટીદારવાળી, મામા કલ્યાણ ચાર રસ્તા, આદિશ્વર, સત્યમ વિદ્યાલય, ધર્મનાથ, સેટ મેરી સ્કૂલ, શ્રી રામ ચોકડી સુધી પાવડર, મચ્છર જન્ય ધુમાડ, દવાનો છંટકાવ, ગટરના પાણીનો નિકાલ ના થાય ત્યાં સુધી હું ધરણા પર બેઠો છું, કાઉન્સિલર અને ફરિયાદ કરીને થાકી ગયો. અધિકારી કામ નથી કરતા. મારા જોડે કોઇ ઓપ્શન નથી.

જોકે બાદમાં શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેને નરોડા ખાતે જઈ સમજાવટથી મામલો થાળે પાડયો હતો. અને દવાનો છંટકાવ, ગટરના પાણીના નિકાલ સહિત સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો હતો.

 70 ,  1