ઉમેરઠ : નારાજ ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પરમાર CM સાથે કરી શકે છે મુલાકાત, પાર્ટી છોડવાની આપી હતી ચિમકી

રાજીનામું આપવાનું કહેતા રાજકીય ગરમાવો, CM સાથે કરશે મુલાકાત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ટીમના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા બાદ ગુજરાત ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે આ મામલે નારાજ ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પરમાર CM સાથે મુલાકાત કરી શકે છે.

ઉમેરઠથી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામું આપવાનું જાહેર કરતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સરકારમાં અવગણના કરાતી હોવાથી પરમારે રાજીનામું આપવાનું મન બનાવ્યું છે. તેમણે મંગળવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારીને કહ્યું, અમુલની ડિરેક્ટર પદની ચૂંટણીમાં આણંદ ભાજપ સંગઠનને કોઈએ મદદ ના કરી હોવાથી 3 મતથી હાર થઈ  હતી.

અમૂલ ડેરી સંઘની ચૂંટણીમાં ગોવિંદ પરમાર ત્રણ વોટે હારી ગયા હતા અને આ માટે તેમને આણંદના સાંસદ મિતેષ પટેલ અને અન્ય સ્થાનિક ભાજપના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે. તેઓએ પોતાના વિરુદ્ધ કામ કરીને પોતાને હરાવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ ઉપરાંત સરકારે ડેરી સંઘમાં નામાંકિત કરેલા સભ્ય પોતે પાર્ટી વિરુદ્ધ કામ કરતા હોવા છતાં તેઓને મૂકવામાં આવ્યા હોવાની વાતે તેઓ વધુ નારાજ થયા છે.

ગોવિંદ પરમાર આ અગાઉ રાજ્યસભા ચૂંટણી વખતે પણ પોતાનો રંગ બતાવી ચૂક્યા છે. માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીની સાથે તેઓ પણ ક્રોસ વોટિંગ કરીને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મત નાંખવાના હતા. જો કે ભાજપના શિર્ષસ્થ નેતાઓને ગંધ આવી જતા આ બન્ને ધારાસભ્યોને યેનકેન પ્રકારેણ મનાવીને પાર્ટીના વ્હીપ પ્રમાણે વોટ નંખાવ્યો હતો.

ગુજરાતમાં 8 બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ઉમરેઠ ભાજપના ધારાસભ્યની ચીમકીથી ભાજપમાં સોંપો પડી ગયો છે. ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર