September 26, 2020
September 26, 2020

ભાજપમાં બખંડજંતર : હેં..જગદીશ ભાઇ, આ સુપર દલિત એટલે શું…? પંચાલમાંથી વિશ્વકર્મા કેમ બન્યા..?!!

ભાજપના શહેર પ્રમુખે લુહાર જ્ઞાતિના લોકોને વોર્ડના હોદ્દેદાર બનાવ્યાં….!

ગુજરાત ભાજપમાં નવુ સંગઠનનું માળખુ રચાવા જઇ રહ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ પક્ષની પરંપરા અનુસાર પોતાને અનુકૂળ હોય તેવી ટીમ પાટિલની રચના કરશે. શક્ય છે કે હાલમાં ટીમ વાઘાણીના કેટલાય તેમાંથી બાદ થઇ જશે. ટીમ વાઘાણીના આવા જે એક અમદાવાદ શહેર પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ ટીમ પાટિલમાં પણ સ્થાન મળે તે માટે હવાતિયાં મારી રહ્યાં છે. પરંતુ તેમની સામે તેમના જ સંગઠનમાંથી વિરોધ શરૂ થયો છે.

જગદીશ પંચાલ, પોતે વિશ્વકર્મા સમાજ કે જ્ઞાતિમાંથી આવે છે. અત્યાર સુધી તેમણે પોતાના નામની પાછળ વિશ્વકર્મા અટક ક્યારેય લગાવી નહોતી. સિમ્પ્લ જગદીશ પંચાલ..એવું જ લખાવતા આવ્યાં છે. પણ હવે તેમણે કેમ વિશ્વકર્મા ગણાવવાનું શરૂ કર્યુ એ તો તેઓ જ જાણે પરંતુ ભાજપના આ શહેર પ્રમુખ પોતે ઓબીસી સમાજમાંથી આવતાં હોવા છતાં સંગઠનમાં દલિતોની સાથે અન્યાય કરી રહ્યાંની પત્રિકા યુધ્ધ ચાલી રહ્યું છે.

વાત એમ છે કે કોરોના સંદર્ભમાં ભાજપે કાર્યકરોની કામગીરી માટે તમામ વોર્ડમાં ઇ-બુક તૈયાર કરવા જણાવ્યું છે. જો કે સરસપુર વોર્ડના દલિત મહામંત્રી નવનીત શ્રીમાળીએ એક જાહેર નિવેદન આપીને શહેર પ્રમુખની સામે સીધો ઘા કર્યો છે. નવનીત શ્રીમાળી કહે છે કે જગદીશ પંચાલ દલિત વિરોધી માનસિક્તા ધરાવે છે અને સંગઠનમાં દલિતોને કોઇ સારૂ સ્થાન આપતા નથી.

ભાજપમાં પત્રિકા યુધ્ધ કાંઇ નવી વાત નથી. કેશવ ભાઇ પટેલના જમાનાથી પત્રિકા યુધ્ધ ચાલે છે. નવનીત શ્રીમાળીના ગંભીર આરોપ બાદ પંચાલ…સોરી વિશ્વકર્માએ(!) પોતાના ટેકેદારોને આગળ કર્યા. અને સ્કૂલ બોર્ડના વાઇસ ચેરપર્સન સવિતા શ્રીમાળીએ પત્રિકા બહાર પાડીને શહેર પ્રમુખને માત્ર દલિત નહીં પણ સુપર દલિત ગણાવ્યાં છે…..!! ક્યાં પંચાલ…. ક્યાં વિશ્વકર્મા અને હવે દલિત જ નહીં પણ સુપર દલિત….!! આવુ તો ભાજપમાં જ અને તે પણ જગદીશ પંચાલના સંગઠનમાં જ બની રહ્યું છે.

પંચાલ પંચાલ હોય છે… પંચાલનું વિશ્વકર્મા થાય પણ સુપર દલિત કઇ રીતે થાય…? શું તેમણે જાતિ બદલી છે…. શું ગુજરાત સરકારે પંચાલ જ્ઞાતિવાળાને દલિતમાં સમાવવાનો કોઇ પરિપત્ર બહાર પાડ્યો છે…? એક ઓબીસી જ્ઞાતિના નેતાને અનુસૂચિત જાતિ-દલિત અને સુપર દલિત ગણાવવાની કેમ ફરજ પડી…તેવા સવાલો ભાજપના શહેર સંગઠનમાં થઇ રહ્યાં છે.

કહેવત છે ને કે ભૂવો ધૂણે તો નારિયેળ ઘર ભણી નાંખે…એમ ભાજપના આ શહેર પ્રમુખે શહેરના સંગઠનના માળખામાં લગભગ દરેક વોર્ડના સંગઠનમાં એકાદ પંચાલને સ્થાન આપ્યું છે. એક અખબારે તેની નોંધ લીધી કે ભાજપના શહેર પ્રમુખે લુહાર જ્ઞાતિના લોકોને વોર્ડના હોદ્દેદાર બનાવ્યાં….! તો શું તેમને આખા વોર્ડમાં ભાજપના બીજા કોઇ જ્ઞાતિના કાર્યકરો જ ના મળ્યાં….? પંચાલ સિવાયની જ્ઞાતિના કાર્યકરોને અન્યાય થયો તેનું શું…?

રાજકીય રીતે તેનું એવુ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે કે શહેર પ્રમુખે પોતાની દલિત વિરોધી છાપને દૂર કરવા માટે પોતાના ટેકેદારો પાસેથી પોતાની તરફેણમાં પત્રિકાઓ પ્રસિધ્ધ કરાવવાનો પ્રયાસ કરીને ટીમ પાટિલમાં પણ શહેર પ્રમુખ પદ જળવાઇ રહે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. પણ સીઆર પાટિલ રાજકારણના કાંઇ નવાસવા નથી. તેઓ એક પરિપક્વતા ધરાવનાર જુના અને અનુભવી નેતા છે. તેમની પાસે તમામ પદાધિકારીઓના રિપોર્ટ હશે જ અને તેમાં ભાઇશ્રી વિશ્કર્માની રાજકિય કુંડળી પણ તેમની પાસે હશે. પત્રિકા છપાવવાથી જો છાપ સુધરી શકતી હોય તો કેટલાય દાગી નેતાઓનું પત્રિકારૂપી ગંગગાજળ છાંટીને શુધ્ધિકરણ થઇ શક્યું હોત.

જગદીશભાઇએ અટક બદલીને વિશ્વકર્મા કરી છે ત્યારે તેમને એ અટક ફળે છે કે કેમ એ તો ટીમ પાટિલનું નવુ માળખુ જાહેર થાય ત્યારે જ ખરૂ. પણ અત્યારે તો પોતાને સુપર દલિત ખપાવનાર જગદીશ પંચાલની માનસિક્તા સામે સંગઠનમાં દલિત સમાજ વિશ્વકર્માની વિરૂધ્ધ છે. શહેર ભાજપ પ્રમુખ અમદાવાદનું નામ કર્ણાવતી તો ના કરાવી શક્યા પણ પોતાનું નવુ નામકરણ ચોક્કસ કરી નાંખીને હોદ્દો ફરી મળે તેની ફિરાકમાં છે.

તંત્રી- દિનેશ રાજપૂત

 368 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર