ગાંધીનગર: ત્રણ વર્ષ પૂરા થવા બદલ ભાજપ પ્રદેશ અધ્યક્ષને અભિનંદન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરોએ જીતુભાઇ વાઘાણીને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી હતી. 
આ પ્રસંગે વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાના કાર્યકરો માટે કોઇપણ પદ એ હોદ્દો નહીં પરંતુ જવાબદારી હોય છે. મારા પર ભરોસો મુકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપી હતી તે બદલ ફરી એકવાર એમનો આભાર માનું છું. 

તેઓએ જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ભાજપના તમામ કાર્યકર્તાઓના સહકારથી જ પૂર્ણ કરી શક્યો છું, તેથી હું ભાજપાના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

વાઘાણીએ જણાવ્યું હતું કે, પદ-પ્રતિષ્ઠા અને પૈસાથી ઉપર ઉઠી સતત કાર્યશીલતા અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી એ જ પ્રથમ ધર્મ છે. હું તો પ્રતિક માત્ર છું અને ભાજપ સંગઠનની વ્યવસ્થાનો એક ભાગ છું. નેતૃત્વ સતત બદલાતુ રહે પરંતુ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વોપરિ છે. પ્રત્યેક કાર્યકર ભાજપના ‘રાષ્ટ્રવાદી’ અને ‘વિકાસવાદી’ વિચારને ‘સર્વસ્પર્શી’ અને ‘સર્વવ્યાપી’ બનાવી ભાજપની ‘સર્વસમાવેશી રાજનીતિ’માં વધુને વધુ લોકોને જોડી સંગઠનને વધુને વધુ મજબૂત બનાવે અને ભાજપની શક્તિમાં ઉમેરો કરે.

ગત ત્રણ વર્ષમાં આવેલા અનેક પડકારો, સંઘર્ષો અને કોંગ્રેસ દ્વારા કરાયેલા અનેક ષડયંત્રો છતાં તમામ કાર્યકર્તાઓના સહકારથી પાર્ટીને વધુ મજબૂત બનાવી શક્યા તેનો મને અંતઃકરણપૂર્વકનો આનંદ અને સંતોષ છે. ‘પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચઢતે જાના, પથ કા અંતિમ લક્ષ હૈ સબ સમાજ કો સાથ લિયે બસ આગે હી બઢતે જાના’ તેમ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી