72માં પ્રજાસત્તાક દિવસે ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. “ભારત માતાકી જય” “જય જવાન જય કિસાન”ના જય ઘોષ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને ત્રિરંગાના પ્રતિક સમાન કેસરી,સફેદ અને લીલા ફુગ્ગાઓ ખુલ્લા આકાશમાં છોડવામાં આવ્યા હતા. ભારતમાતાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં ઘણા યુવાનો શહીદ થયા હતા, સામીછાતીએ ગોળીઓ ખાઇને દેશને સ્વતંત્રતા અપાવી હતી, જેમની દુરંદેશી અને પરિપક્વતાથી આ દેશનું આદર્શ બંધારણ ઘડાયું એવા ડો.બાબાસાહેબ આંબેડકરનો આ દેશ હંમેશા ઋણી રહેશે. ભારતનું સંવિધાન ૨૬ મી જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ દેશનું સંવિધાન આજે પણ એટલું જ વિશ્વશ્રેષ્ઠ છે કે સંવિધાનમાં કોઈ મોટા નીતિગત ફેરફારની ક્યારેય જરૂર પડી નથી. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ બંધારણનું સન્માન કરે છે. મહામૂલી આઝાદી અકબંધ રહે અને દેશ અખન્ડ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ કટિબદ્ધતા પૂર્વક કાર્ય કરી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં “ઉત્તમ સે સર્વોત્તમ ગુજરાત”ની દિશામાં ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે.

દેશનાં નાગરિકોએ આજના શુભ દિને સંકલ્પ કરવો જોઇએ કે, દેશ વિકાસમાં અને દેશ નિર્માણમાં પોતાનો ફાળો આપી દેશને ફરી એક વખત વિશ્વગુરુના સ્થાને બિરાજે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમ પ્રદેશ અધ્યક્ષ પાટીલે સૌ ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગોરધનભાઈ ઝડફિયા, રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, સહિત સંગઠનના પદાધિકારીઓ સહીત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો આજની પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
19 , 1