September 20, 2021
September 20, 2021

નવા મુખ્યમંત્રીના નામની પસંદગીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને પણ વિશ્વાસમાં ન લેવાયા..?

ભૂપેન્દ્ર પટેલની પસંદગી સીધી વડાપ્રધાન દ્વારા જ કરવામાં આવી છે તેમાં કોઈ બે મત નથી…!

સૌના આશ્ચર્ય વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી. ભૂપેન્દ્ર પટેલની પસંદગી સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ કરવામાં આવી છે તેમાં કોઈ બે મત નથી. અમિત શાહ કે સી.આર. પાટીલની પસંદગી ભૂપેન્દ્ર પટેલ ન હતા. ભૂપેન્દ્ર પટેલ ચોક્કસથી અમિત શાહના લોકસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેમ છતાં ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના જૂથના હોવાથી અમિત શાહ તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ ન કરી શકે.

ભૂપેન્દ્ર પટેલ ચંદ્રકાન્ત પાટીલની પસંદ નથી

ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા બાદ ચંદ્રકાન્ત પાટીલનો સતત સરકાર સાથે સંઘર્ષ જોવા મળ્યો હતો. વિજય રૂપાણીએ જાહેરમાં પાટીલ અંગે નિવેદનો આપ્યા હતા જે ચર્ચામાં રહ્યાં હતા. ચંદ્રકાન્ત પાટીલે પણ મુખ્યમંત્રી બનવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છતાં તેઓ ગાદી મેળવી શક્યા નહી. ભૂપેન્દ્ર પટેલનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદ છે. નવા મુખ્યમંત્રીની પસંદગીમાં અમિત શાહ અને ચંદ્રકાન્ત પાટીલ વચ્ચેની ખેંચતાણમાં ફરીથી આનંદીબેન પટેલ બાજી મારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પાટીલ પણ નરેન્દ્ર મોદીની પસંદ છે તેમની મુખ્યમંત્રી તરીકેની દાવેદારી મજૂબત હતી પરંતુ તેઓ જાતિવાદી સમીકરણમાં ફીટ ન હોવાથી અંતે તેઓ ગુજરાતના નાથ બનવાથી રહી ગયા હતા.

CMના નામની જાહેરાતથી પાટીલના હાવભાવ બદલાયા

ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયા બાદ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ કોઇ મોટા રાજનેતા નથી. લોકો સાથે ચોક્કસથી સારો સંપર્ક ધરાવે છે પરંતુ તે પોતાના વિસ્તાર પુરતો મર્યાદિત છે. તેઓ લાઈમલાઈટથી દૂર છે. ક્યારેય ચર્ચાઓમાં નથી રહ્યાં. પાટીલ 2022માં 182 વિધાનસભા બેઠકો જીતવાનો ટાર્ગેટ કરી ચાલી રહ્યાં છે. અને આ ટાર્ગેટમાં ભૂપેન્દ્ર પટેલ ક્યાંય ફીટ બેસતા નથી. પાટીલ 182નો ટાર્ગેટ સેટ કરી પોતે મુખ્યમંત્રી બનવાની ફિરાકમાં હતા. ભાજપે 150 કરતા વધુ બેઠકો જીતવી હોય તો મુખ્યમંત્રી પદનો ચહેરો પણ એટલો જ મજબૂત હોવો જોઈએ તેવી પાટીલે માંગ કરી હતી. પરંતુ તે પ્રમાણે નામ ન આવતા પાટીલ નારાજ હોવાનું તેમની બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

પત્રકાર પરિષદમાં જ જોવા મળી નારાજગી

ભૂપેન્દ્ર પટેલ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે મંત્રીમંડળ અંગે ભૂપેન્દ્ર પટેલને પૂછવામાં આવ્યું ત્યારે પાટીલ વચ્ચે બોલવા લાગ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે, મંત્રીમંડળ અંગે સંગઠન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે. હાલમાં માત્ર ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ રહ્યાં છે. પાટીલ ભલે જાહેરમાં નારાજગી ન દર્શાવી શકતા હોય પરંતું પાટીલના હાવભાવ ધણા નિરાશાજનક દેખાઈ આવતા હતા.

આક્રમક ચહેરા તરીકે પોતાને જોઈ રહ્યાં હતા મુખ્યમંત્રીના દાવેદાર

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચહેરો ભલે નરેન્દ્ર મોદી જ હોય પરંતુ સ્થાનિક સ્તરે મુખ્યમંત્રી પદનો ચહેરો પણ એટલો જ મજબૂત હોવો જોઇએ જેના પર લોકોને વિશ્વાસ બેસે. પાટીલે જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીઓને લઇ રણનીતિ અપનાવી છે તેમાં ભૂપેન્દ્ર પટેલનો ચહેરો ક્યાંય ફીટ બેસતો નથી. પાટીલ ઇચ્છી રહ્યાં હતા કે, આક્રમક વ્યક્તિત્વ, કડક અનુશાસન, ધારદાર વક્તા, સર્વ સ્વીકૃત ચહેરો જ મુખ્યમંત્રી હોવો જોઇએ. તેમાં તેઓ પોતાની જાતને જોઇ રહ્યાં હતા તેના માટે થઇને તેમણે વિજય રૂપાણી સરકાર સાથે હંમેશા સંઘર્ષ પણ કર્યો. તેમ છતાં તેઓ પોતાની મનોચ્છામાં સફળ થઇ શક્યા નથી.

182 વિધાનસભા બેઠક જીતવાના સ્વપ્નનું શું થશે?

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જે પ્રમાણે પાટીલને કામ કરવાની છૂટ મળી તે જ રીતે ભૂપેન્દ્ર પટેલને પણ ગુજરાતમાં નિર્ણયો લેવાની અને કામ કરવાની છૂટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પાટીલના સંગઠનને ફરીથી સરકાર સાથે ખેંચતાણ રહેવાની. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલ જૂથના હોવાથી પાટીલ તેમની સાથે કેવી રીતે સંકલન સાધે છે તે પણ ખાસ જોવાનું રહેશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનવાથી પાટીલનું 182 વિધાનસભા બેઠક જીતવાનું સ્વપ્ન હવે ધૂંધળુ દેખાઇ રહ્યું છે.

 65 ,  1