ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય, કમલમમાં નવરાત્રી પહેલા દિવાળી

ગાજ્યા એ વરસ્યા નહીં, 1 જ સીટ મળી ગુજરાતની પ્રજાએ રિજેક્ટ કર્યા : CR પાટીલ

ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે પહેલીવાર ભાજપે 10 વર્ષમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો પૈકી ભાજપે 41 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી શકી છે.

ચૂંટણી પહેલાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીએ એક બેઠક સાથે પોતાનું ખાતુ ખોલાવ્યું છે. ભાજપની આ ભવ્ય જીતનો સાફો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શિરે પહેરાવવામાં આવી રહ્યો છે. પાટીલ અને પટેલની જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી છે. ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતીએ આગામી વર્ષે 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર હતું. ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલાં જ ભાજપ હાઈકમાંડે ગુજરાત સરકારનું આખેઆખું માળખું બદલી નાંખવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું લેવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં. ત્યાર બાદ ભાજપ હાઈકમાંડે દેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં નો રીપીટ થિયરી અપનાવીને મુખ્યમંત્રી સહિત આખી સરકારના બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને આખી નવી ટીમ ઉભી કરી. આ પાછળનો ભાજપના આશય વર્ષ 2022ની ચૂંટણી અને એ પહેલાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવાનો હતો. કારણકે, કોરોના કાળમાં ગુજરાતમાં રૂપાણી સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. પાટીદારો પણ રૂપાણી સરકારથી નારાજ હતા. એવામાં પાટીદારો સહિત અન્ય સમાજના મતદારોની નારાજગી દૂર કરવા અને જુના જોગીઓને ઘેર બેસાડીને નવા યુવા નેતાઓને કમાન સોંપવા ભાજપે એક કાંકરે બે નિશાન સાધ્યા હતાં. ગાંધીનગર મનપામાં જીતનો પાયો પણ આ નિર્ણય સાથે જ નખાઈ ગયો હતો.

ગાંધીનગર કોર્પોરેશન
કુલ સીટ 44
ભાજપ 41
કોંગ્રેસ 2
આપ 1

જિલ્લા પંચાયત
કુલ સીટ 8
ભાજપ 5
કોંગ્રેસ 3

તાલુકા પંચાયત
કુલ બેઠક 48
ભાજપ 28
કોંગ્રેસ 14
આપ 2
અન્ય 1 

ભાણવડ નગરપાલિકા 
25 વર્ષે કોંગ્રેસની જીત 
કુલ બેઠક 24 
કોંગ્રેસ 16
ભાજપ 8

ઓખા નગરપાલિકા
કુલ બેઠક 36
ભાજપ 34
કોંગ્રેસ 2

થરા નગરપાલિકા 
કુલ સીટ 24
ભાજપ 20 
કોંગ્રેસ 4

 264 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી