ભાજપના ભીષ્મ પિતામહની આજે પ્રથમ પુણ્યતિથિ…

પોપટિયાવાડમાં લતીફને પડકાર્યો હતો, લાલિયા ગુંડાને ઉભી પૂંછડીએ ભગાડી ‘બાપા’ની રાજકારણમાં એન્ટ્રી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ છે. વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓએ ભાજપના ભીષ્મ પિતામહને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ગયા વર્ષે 29 ઓક્ટોબર 2020ના રોજ કેશુ બાપાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું.

‘બાપા’ તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રીપદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓ આ આઘાત પચાવી ગયા હતા. પહેલાં પત્ની અને છેલ્લાં ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવ્યા હતા અને હવે તેઓ અનંતની સફરે ઊપડી ગયા છે.

રાજકોટમાં લાલિયા દાદાને ખોંખરો કર્યો અને લોકોએ કાઉન્સિલરની ચૂંટણી જિતાડી

રાજકોટમાં કેશુભાઇ સાઇકલ ઉપર સંઘની શાખામાં જતા હતા ત્યારે તેમણે જોયું કે લાલિયા દાદા નામનો એક દાદો સદર બજારમાં એક વ્યક્તિને ખૂબ મારી રહ્યો હતો. લોકો ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા, પણ કેશુભાઈ આ જોઈ શક્યા નહીં. તેમણે પોતાની સંઘની લાકડી વડે લાલિયા દાદાને ઝૂડી નાખ્યો હતો અને લાલિયો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઈને ખભે બેસાડી રાજકોટમાં સરઘસ કાઢયું હતું. ત્યાર બાદ રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટના લોકોએ ભેગા થઈ કેશુભાઈ પટેલને પરાણે કાઉન્સિલરની ચૂંટણીમાં ઊભા રાખ્યા અને તેઓ જનસંઘમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા.

જ્યાં પોલીસ જતાં ડરતી ત્યાં ગયા હતા કેશુભાઈ

લતીફના ગઢ એવી પોપટિયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ એ વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા, પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતીફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.

રાજ્યમાં ભાજપની પહેલી સરકાર કેશુભાઈના નેતૃત્વમાં બની

1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા, પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

17ની વયે RSSમાં જોડાયા, 1977માં કૃષિમંત્રી બન્યા

કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યા. ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1978થી 1995 દરમિયાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતાં તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઊભરી આવ્યા. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણીપ્રચારની જવાબદારી લીધી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી