અમદાવાદમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, પાટીલના રોડ શોમાં ભગવો છવાયો

પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો 

રાજ્યમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ જશે. આવતીકાલે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. ચૂંટણી જીતવા માટે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની આ ચૂંટણી માટેની અંતિમ રેલી શહેરમાં નીકળી છે. 

અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો વિશાળ રોડ શો નીકળ્યો છે. જેમાં ભગવો રંગ છવાયો છે. રેલીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓએ ભગવા રંગનો સાફો પહેર્યો છે. જેથી અમદાવાદના રસ્તા પર ભગવો રંગ છવાયો હોય તેવું લાગી રહ્યું છે. તો અનેક વિસ્તારોમાં સ્થાનિક નાગરિકોએ ફૂલોથી સીઆર પાટીલનું સ્વાગત કર્યું હતું. 

22 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો નીકળ્યો 

પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો અમદાવાદમાં મેગા રોડ શો આગળ વધી રહ્યો છે. જેમાં 7 વિધાનસભા વિસ્તાર અને 17થી વધુ વોર્ડમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 22 કિલોમીટરના લાંબા ભવ્ય રોડ શોથી પ્રચારના અંતિમ દિવસે ભાજપ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, શહેર પ્રભારી, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે. જેમાં બે સ્થળો પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સભાને પણ સંબોધશે. પરંતુ હાલ જેમ જેમ રોડ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ મતદારો પ્રચંડ સમર્થન આપી રહ્યા છે. તો સાથે જ કેસરી કલરના ફુગ્ગા હવામાં છોડવામાં આવ્યા હતા. 

પાટીલે કહ્યું કે, મોટો મેસેજ રેલી દ્વારા જઈ રહ્યો છે. અલગ અલગ વિસ્તારના કાર્યકર્તાઓ તેમાં જોડાયા છે. 25 વર્ષથી ભાજપ લોકોના સહયોગથી સત્તા સંભાળે છે. લોકોની સેવા કરે છે. તેથી લોકોને વિશ્વાસ છે કે તે ફરીથી સત્તા પર આવશે. ભાજપમાં સંયુક્ત આગેવાની હોય છે. મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત છે. તેથી બાકીના આગેવાનો અલગ અલગ રાજ્યોમાં રેલીમાં છે. લોકોને વિનંતી છે કે પોતાના મતનો ઉપયોગ કરે અને વધુને વધુ મતદાન કરે.

 71 ,  1