કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા…!

તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો

મેધનાબેન દેદૂનના જુસ્સા અને સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા સામે કોરોના હાંફ્યો.

કાળમુખા કોરોનાએ ઘણાંય પરિવારો પર કેર વર્તાવ્યો છે.ઘણા પરિવારો વિખૂટા થયા છે.આ વખતે અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો. સગર્ભા માતાએ દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા અને કાળમૂખા કોરોનાએ નવજાત બાળકીના હિસ્સાનુ વાત્સલ્ય તેમનાથી છીનવી લીધુ. માતા કોરોનાગ્રસ્ત બનતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા.

નવજાત બાળકના હિસ્સાનું વ્હાલ છીનવાઇ જાય તેનાથી મોટું દુખ એક માતા માટે કયુ હોઇ શકે…?માતા બનવાનો અહેસાસ દુનિયાનો સૌથી મોટુ સુખ આપનારો અહેસાસ હોય છે.માતા જ્યારે પોતાના નવજન્મેલા બાળકને પ્રથમ વાર હૈયા સરસું ચાંપે છે ત્યારે દુનિયાની શ્રેષ્ઠ અનુભૂતિને પામે છે. નવજાત બાળકીને માતાનું ઘાવણ ખૂબ જ મહત્વનું હોય છે. પરંતુ આ કોરોનાને તો ક્યા કોઇ જીવ પ્રત્યે સંવેદના છે જ ? અસંવેદન એવો આ કાળમુખા કોરોનાએ તો આ માતાને તેના નવજાત બાળક થી દૂર રાખવાના તમામ પ્રયત્નો કર્યા. પરંતુ કહેવાય છે ને કે તબીબો ઘરતી પરના દેવદૂત છે. તેઓ દર્દીનો જીવ બચાવવા અને દર્દીને મોતના મુખમાંથી ઉગારવા માટે કૃતસંકલ્પ બને ત્યારે કોરોના જેવા કાળમુખા વાયરસે પણ તેમના જુસ્સા સામે હાર સ્વીકારવી પડે.

વાત કંઇક એવી છે કે, અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો.આ તેમનું બીજુ બાળક છે. સમગ્ર પરિવારમાં ખુશહાલીનો માહોલ. હજુ તો આ ઉત્સવ ઉજવવાનો બાકી હતો ત્યારે બીજા જ દિવસે મેધનાબેનને કોરોનાના લક્ષણો જણાઇ આવ્યા .જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે પોઝીટીવ આવ્યો . વળી ૩૦ ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત થયા હતા. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેઓની સધન સારવાર શરૂ કરવામાં આવી.
આ દરમિયાન માતાના શરીરમાં વાયરસનુ સંક્રમણ એટલી ઝડપે વધી રહ્યુ હતું કે ફક્ત ૨ જ દિવસમાં ફેફસાનો ૮૫ થી ૯૦ ટકા ભાગ વાયરસ થી ક્ષતિગ્રસ્ત બન્યો

જીંદગી અને મોત વચ્ચે સંગ્રામ ખેલી રહેલી આ માતા જીવન જીવવાની આશા છોડી જ ચૂકી હતી. પરંતુ બીજી તરફ નવજાત બાળકી જેણે હજુ તો આ ઘરતી પર પગ મૂક્યો છે તે મેધનાબેનની ઘરે પરત ફરવાની રાહ જોઇ રહી છે,માતાના ખોડામાં માથુ રાખી સૂવા માટે ઝંખના સેવી રહી હતી.. માતાનું ઘાવણ લઇ સક્ષમ બની જીવનમા ડગ માંડવાના સપના સેવી રહી હતી આ તમામ સ્વપ્ન મેધનાબેનની આંખો સમક્ષ સરી રહ્યાં હતા

મેધનાબેન દેદૂને જીવન અને મરણ વચ્ચેનો આ સંગ્રામ અને કાળમૂખા કોરોના સામેની જંગ અતિં ગંભીર બની રહી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને દર્દીનો ગમે તે ભોગે જીવ બચાવવાના નિર્ધાર સામે કોરોના હાંફ્યો! ૬ દિવસની સધન સારવાર અને હોસ્પિટલના સ્ટાફની દિવસ રાતની મહેનત અને પ્રોગ્રેસીવ સારવાના કારણે મેધનાબેન દેદૂને કોરોના હંફાવ્યો..

મેધનાબેન દેદૂન લાગણીસભર સ્વરે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલના તબીબો અને અહીંના તમામ સ્ટાફ મિત્રોની દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને દેખરેખના કારણે જ આજે હું ઘરે પરત ફરીને મારી નવજાત બાળકીને જોઇ શકવા સક્ષમ બની છું. મારી બાળકીને માતાનો સ્નેહ આપવા આતુરતાથી રાહ જોઇ રહી છું મારી બાળકીને ગળે લગાડીને વ્હાલ કરવાની લાગણીઓ સેવી રહી છું. આ બધુ જ શક્ય બન્યું છે તો સિવિલ હોસ્પિટલના તબીબોની તબીબી સારવાર ના કારણે. અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ લાગણીસભર છે. હોસ્પિટલમા રહીને પણ હોસ્પિટલ જેવી અનુભૂતિ ક્યારેય ન થવા દે…’

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે કામ કરી રહેલા ૨૫૦૦ થી વધુ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં તહેનાત છે. તમામ સ્ટાફમિત્રો દર્દીઓ પ્રત્યેનો સંવેદનાસભર અભિગમ દાખવીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ સ્ટાફમિત્રોના અથાગ પરિશ્રમના કારણે જ મેધનાબેન દેદૂનની સફળ સારવાર જેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે.જેમા અતિગંભીર સંક્રમણથી સંક્રમિત થયા બાદ પણ ઘણાંય દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે…’
એમ તેઓ ઉમેરે છે..

 199 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર