September 20, 2021
September 20, 2021

બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે : પ્રદીપસિંહ જાડેજા

324 ગુના દાખલ કરી 484 આરોપીઓની અટકાયત

રાજ્યમાં બાયોડીઝલના નામે ગેરકાયદેસર રીતે ભેળસેળવાળા ઈંધણો વેચતા લોકો સામે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. પ્રદિપસિહે જણાવ્યું કે, બાયોડીઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઈંધણો જેવા કે સોલ્વન્ટ, બેઝ ઓઈલ, યુઝ્ડ એન્જીન ઓઈલ વગેરેમાં વધારે માત્રામાં પ્રદુષકો હોય છે. જેના પરિણામે વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદુષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પહોંચાડે છે.

આ અસરોને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે બાયોડીઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઈંધણ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના લીધે ભેળસેળયુક્ત ઈંધણ પરના પ્રતિબંધના કારણે ડીઝલની વપરાશમાં વધારો થશે અને રાજ્ય કરવેરાની આવક પણ વધશે તેમજ વાહનોની કાર્યક્ષમતામાં વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ઔદ્યોગિક વપરાશના બદલે વાહનોમાં વપરાતા આવા પ્રકારના ભેળસેળયુક્ત ઈંધણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપેલી અને જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં લેવા આદેશો આપ્યો છે.

આ માટે ગૃહ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને કડક હાથે કામગીરી શરૂ કરી દેવાઈ છે. અને રાજ્ય સરકારની આ ઝુંબેશના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં 324 ગુના દાખલ કરી 484 આરોપીઓની અટકાયત કરીને રૂપિયા 22.31 કરોડથી વધુનો મુદામાલ સાથે 38,95,817.28 લીટર મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ઉપરાંત રૂપિયા 11,36,23,000ની કિંમતના 222 વાહનો પણ સીઝ કરાયા છે અને આગામી સમયમાં પણ કડક હાથે ચુસ્ત કામગીરી માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.

તેમણે ઉમેર્યું કે, આવા ઈંધણો જો વાહનોમાં બળતણ તરીકે વપરાય તો તે વાહનોના એન્જીનને લાંબાગાળે વધુ નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી વાહનોની મરામતનો ખર્ચ વધી શકે છે. તેમજ કેન્દ્ર સરકારના નેશનલ કલીન એર પ્રોગામ (NCAP) અંતર્ગત મિશન સ્વરૂપે એમ્બીયન્ટ એર ક્વોલીટી સુધારા માટે બનાવાયેલ એર એકશન પ્લાનના અમલીકરણમાં વિપરીત અસરો આવી શકે તેમ છે. તેને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કરાયો છે.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, મુદ્દામાલ કબજે કરવા તથા તેના નમુના લેવા અંગે અધિકૃત અધિકારી દ્વારા બાયોડીઝલના નામે વેચાતા ભળતા પેટ્રોલિયમ પદાર્થોની ચકાસણી દરમિયાન મળી આવેલ આવા પ્રકારનાં ભળતા પેટ્રોલિયમ પદાર્થોના 3 નમૂનાઓ લેવામાં આવશે. આ નમૂનાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. નમૂનો ફેઈલ થાય તો વિવિધ જોગવાઈઓના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરાશે. FIR નોંધ્યા બાદ સ્ટોરેજ લાયસન્સ, એક્સપ્લોઝીવ લાયસન્સ, NA, ફાયરસેફ્ટી, ગુમાસ્તા ધારા નોંધણી, GPCBની નોંધણી વગેરે લીધેલ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરાશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, બાયોડિઝલના નામે વપરાતા ભળતા ઈંધણોના અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાના કારણે છેલ્લા છ માસમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણની આવકમાં 11 ટકાનો વધારો થયો છે અને તેને કારણે રાજ્ય કરવેરાની આવકમાં પણ રૂ.1662 કરોડનો વધારો થયો છે અને 7,92,533 કિલો લીટર ડીઝલની વપરાશ થવા પામી છે.

 39 ,  1