‘પાપ સે ધરતી ફટી, અધર્મ સે આસમાન…’ ૮૦ના દાયકાની બ્લોકબસ્ટર ‘ત્રિદેવ’ને થયા 30 વર્ષ પૂર્ણ

૮૦નો દાયકો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ સફળ અને ક્રાંતિકારી રહ્યો. આ દાયકામાં આવેલી ફિલ્મોએ કરોડોનો બીઝનેસ તો કર્યો જ સાથે સાથે અનેક ઉભરતા કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાની તક પણ આપી. આ દાયકાની ફિલ્મોમાં એક્શન, ડ્રામા, રોમાન્સ-લવસ્ટોરી, કોમેડી, ક્રાઈમ, થ્રીલર, જેવા અવનવા પ્રયોગો થયા. અને દરેક ફિલ્મમાં દર્શકોને ભરપૂર મનોરંજનનો મસાલો મળી રહે તે રીતે ધમાકેદાર સંગીત આપવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો. આ દાયકાનું સંગીત દર્શકોના હૃદયમાં એક અલગ જ સ્થાન ધરાવે છે.  

આ દાયકામાં એક દુજે કે લિયે, પ્રેમરોગ, ચાંદની, સાગર, કયામત સે કયામત તક, મેને પ્યાર કિયા જેવી સુપરહિટ લવસ્ટોરીઝ પણ બની, તો એની સાથે હળવીફૂલ કોમેડી ફિલ્મો જેવી કે જાને ભી દો યારો, અંગૂર, ચશ્મેબદ્દુર, ખૂબસૂરત, સત્તે પે સત્તા પણ એકંદરે સફળ રહી. આ ઉપરાંત પરિંદા, અર્થ, સદમા, મિર્ચ મસાલા, ચમેલી કી શાદી, ચાલબાઝ, સલામ બોમ્બે, ઉમરાવ જાન જેવી ફિલ્મોએ તો બોલીવુડમાં ‘કલ્ટ ક્લાસિક’નું સ્થાન મેળવ્યું છે. સામાન્ય દર્શકનો આર્ટ સિનેમા સાથે પરિચય કરાવતી આ ફિલ્મો હજુ પણ પુણે ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં ફિલ્માંકનની જાદુઈ કળા શીખતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો વિષય છે.

આ જ દાયકામાં એક્શન અને થ્રિલ ધરાવતી ફિલ્મોનો પણ એક નવો ટ્રેન્ડ શરૂ થયો. રોકી, નસીબ, કર્ઝ, શાન, કુરબાની, શહેનશાહ, લાવારીસ, યારાના, તેજાબ, મિ. ઇન્ડિયા, શક્તિ, જેવી ફિલ્મો સાથે એક્શન, ધમાકેદાર મ્યુઝીક, અને તાળીઓનો વરસાદ કરે તેવા ડાયલોગ્સ ધરાવતી આ ફિલ્મોએ પોતાનો એક અલગ જ ચાહકવર્ગ ઉભો કર્યો છે. આવી જ એક ફિલ્મ હતી ‘ત્રિદેવ’. બ્લોકબસ્ટર સફળતાને હાંસલ થયેલી આ ફિલ્મે તેના તમામ કલાકારોને રાતોરાત સુપરસ્ટારની કેટેગરીમાં મૂકી દીધા હતા. આ વર્ષે એટલે કે 2019માં આ ફિલ્મને 30 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જાણીએ આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો:

આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ત્રિમૂર્તિ ફિલ્મ્સના પ્રોડ્યુસ-ડીરેક્ટર ગુલશન રાયના પુત્ર રાજીવ રાયે કર્યું હતું. જેણે પાછળથી ગુપ્ત, વિશ્વાત્મા, મોહરા જેવી ફિલ્મો બનાવી.

આ ફિલ્મ વર્ષ 1989માં રીલીઝ થઇ હતી. આ જ વર્ષે તેની કોમ્પીટીશનમાં ચાલબાઝ અને મહાદેવ પણ આવેલી જે બોક્સઓફીસ પર હીટ રહેલી.

આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહની રીલ લાઈફ પ્રેમિકા બનતી અભિનેત્રી સોનમે પછી દિગ્દર્શક રાજીવ રાય સાથે જ લગ્ન કરી લીધા હતા. તેના પિતાની ભૂમિકા ભજવતા કલાકાર રઝા મુરાદ રીઅલ લાઈફમાં સોનમના અંકલ છે.  

આ ફિલ્મમાં જેકી શ્રોફ સાથે સની દેઓલને લેવા ઉપરાંત ત્રીજી મેઇન લીડમાં એક્શન હીરો તરીકે નસીરુદ્દીન શાહને લેવો એક મોટું રિસ્ક હતું. એ સમયમાં નસીરની ગણના આર્ટ ફિલ્મોના કલાકાર તરીકે થતી. દર્શકો તેને એક્શન કરતા, હિરોઈનને ઈમ્પ્રેસ કરવા ગીતો ગાતા ડાન્સ કરતા હીરો તરીકે સ્વીકારી શકતા ન હતા. પણ રાજીવે તેમ છતાં જોખમ ઉઠાવ્યું અને આ ફિલ્મથી નસીરની છબી ધરમૂળથી બદલાઈ. આ ફિલ્મના સંવાદો અને સંગીતે ફિલ્મની સફળતામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

 “પાપ સે ધરતી ફટી, અધર્મ સે આસમાન, અત્યાચાર સે કાંપી ઈન્સાનિયત, રાજ કર રહે હૈવાન…જીનકી હોગી તાકત અપૂર્વ, જિનકા હોગા નિશાના અભેદ, જો કરેગા ઇનકા સર્વનાશ, વહી કહલાયેંગે ત્રિદેવ!” આ ફિલ્મનો આ સૌથી લોકપ્રિય સંવાદ છે. જે ફિલ્મના શિર્ષકનું નિરૂપણ કરે છે.  ફિલ્મના સંવાદો રાજીવ રાય, અરશદ પરવેઝ અને કે.કે. સિંઘે લખ્યા હતા. અરશદ પરવેઝે ‘સાજન’ ફિલ્મના પણ સંવાદો લખ્યા છે.

ફિલ્મનું સંગીત 1989ના સમગ્ર વર્ષ દરમ્યાન લોકોના દિલોદિમાગમાં છવાયેલું રહ્યું. આ ફિલ્મના ગીતો ‘તીરછી ટોપીવાલે’, ‘ગલી ગલી મેં ફિરતા હે’ અને ‘ઓયે ઓયે’ તે સમયમાં ખૂબ જ લોકપ્રિય થયેલા. તે પણ એટલી હદ સુધી કે અત્યારની ફિલ્મો ‘અઝહર’, ‘ડબલ ધમાલ’ અને છેક સાઉથની ‘કેજીએફ ચેપ્ટર: વન’માં પણ આ ગીતોને રીક્રીએટ કરવામાં આવ્યા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી