છોટાઉદેપુર-અમદાવાદ બસમાંથી મુસાફરના વેશમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો

હવે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ!

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડાતો હોય છે ત્યારે પોલીસથી બચવા માટે બુટલેગરો અને ખેપીયાઓ હવે દારૂની હેરાફેરી માટે એસટી બસનો ઉપયોગ કરી રહયા છે ત્યારે છોટાઉદેપુરના બોડેલી ડેપોમાંથી એસ.ટી. બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. છોટાઉદેપુરથી અમદાવાદ જતી બસમાંથી મુસાફરને વિદેશી દારૂનો બોટલ સાથે ઝડપી પાડયો હતો. 

છોટાઉદેપુરથી અમદાવાદ જતી બસમાં ડ્રાઇવરે એક વ્યક્તિના સામાનનું ચેકિંગ કરતા તેમના થેલામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી. જે બાદ ડ્રાઇવરે બોડેલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી છે.

વિગત મુજબ, દારૂની હેરાફેરી માટે બુટલેગરે વિમલના થેલાનો ઉપયોગ કર્યો હતો. તેમાં ભારતીય બનાવટની દારૂની બોટલો મૂકી હતી અને આ થેલાને બસના લગેજ બોક્સમાં લગેજ તરીકે મૂકવ્યો હતો. એટલું જ નહીં, બૂટલેગરે કંડક્ટર પાસેથી લગેજની ટિકિટ પણ મેળવી હતી. જે બાદમાં બૂટલેગર પોતે બસમાં સવાર થઈ ગયો હતો.

આ બસ છોટાઉદેપુરથી અમદાવાદ શહેર ખાતે આવી રહી હતી. જોકે, આ દરમિયાન કંડક્ટરને દારૂની ગંધ આવી હતી. આથી તેણે લગેજ બોક્સ તપાસ્યું હતું. લગેજ બોક્સમાં કંડક્ટરને એક વિમલના થેલામાં દારૂની બોટલો ભરી હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં કંડક્ટરે પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને લગેજ બોક્સમાંથી દારૂ ભરેલો થેલો બહાર કાઢ્યો હતો. આ સાથે જ બસની અંદર બેઠેલા વિનયા રાઠવા નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 32 હજાર રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

 88 ,  1