PSIની હત્યા કરવાના આરોપમાંથી બુટલેગરો બાઇજ્જત રિહા….!

અરવલ્લીની ચકચારી ઘટનાની પોલીસ બેડામાં ચર્ચા – શું પુરાવા ના મળ્યા…?

પોલીસ અને દારૂના માફિયા બુટલેગરો વચ્ચે સાપ અને નોળિયા જેવું અંતર અને વેળ હોય તે સ્વભાવિક છે. ગુજરાતમાં દારૂબંધી છતાં વિદેશી દારૂનો જથ્થો રોજે રોજ પોલીસ પક઼ડે છે. અને બુટલેગરોને પાસા સહિતની સજા થાય તેવી કડક કાર્યવાહી કરે છે. પરંતું બુટલેગરો દ્વારા એક PSI પર દારૂ ભરેલી કાર ચઢાવીને મારી નાખવાની ઘટનામાં કોર્ટે પુરાવાના અભાવે આ બુટલેગરોને નિર્દોષ છોડી મુકતા અનેક સવાલો પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યા છે.

6 વર્ષ પહેલા શામળાજીના તત્કાલીન પી.એસ.આઈ એ.કે.વાળા શામળાજી નેશનલ હાઇવે પર વોચમાં હતા. તે દરમિયાન દારૂ ભરેલી કારને રોકતાં કારના ચાલકે પીએસઆઇ પર ચડાવી દેતાં પીએસઆઇને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી અને અમદાવાદમાં 19 દિવસની સારવાર બાદ મોત થયું હતું. તત્કાલીન પીએસઆઇના ચકચારી હત્યા કેસમાં અરવલ્લી જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.સી.વોરાએ રાજસ્થાનના બંને આરોપીઓના નિર્દોષ છૂટકારાનો આદેશ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઇ ગયો હતો.

રાજ્યભરમાં અતિ ચકચારભર્યા આ કેસમાં ખૂનનો આક્ષેપ કરાયો હતો. તદઉપરાંત આ કેસ ની ફરિયાદ મોડી દાખલ કરાતાં તેમજ જુદી જુદી હકીકતો બહાર આવતાં ન્યાયાધીશે ઉપરોક્ત કેસમાં બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરતાં ઘણા લાંબા સમય બાદ બંને આરોપીઓને જેલમાંથી મુક્તિ મળશે અને બંને ને હું સાચો ન્યાય અપાવી શક્યો તેમ બચાવ પક્ષના સિનિયર વકીલ હીરાભાઇ પટેલે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં 6 વર્ષ અગાઉ અતિચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે શામળાજી પોલીરા સ્ટેશનમાં વર્ષ-2015થી ઈ.પી.કો. 307, 302, 114ના ગુનાની ફરિયાદ કરી હતી કે તાઃ 22-03-2015ના રોજ શામળાજી પી.એસ.આઈ. એ.કે.વાળાને બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી સ્વીફ્ટ ડિઝાયર કાર નં. જીજે 1 કેએસ 4389માં વિદેશી દારૂ ભરી આવે છે તે અનુસંધાને પીએસઆઈ એ.કે.વાળા પોલીસ કાફલા સાથે નેશનલ હાઈવે નં. 8 શામળાજી પાસે રૂદરડીમાં નાકાબંધીમાં હતા. વહેલી સવારે 4:15 વાગે ઉપરોક્ત કાર આવતાં ઉભી રાખવા ઈશારો કરવા છતાં ઉભી ન રાખી નાસી જવા માટે ગાડી પૂરઝડપે ચલાવી એ.કે.વાળાને ટક્કર મારતાં તેમના શરીરે ઈજાઓ થઈ હતી. કારના ચાલક માવસિંઘ નારસિંઘ રાઠોડ, અને કંડક્ટર રાઠોડ ચંદનસિંઘ ખુમાનસિંઘને સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત થયેલા પી.એસ.આઈ. એ.કે.વાળાનું એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન 19 દિવસ બાદ દુઃખદ અવસાન થયું હતું. આ બનાવના અનુસંધાને પ્રોહિબિશન એક્ટ અન્વયે ફરિયાદ થયેલ તેમજ કારથી એ.કે.વાળાને ટક્કર વાગવાથી થયેલ મૃત્યુ થયાના બનાવ બાબતે ફરિયાદના અનુસંધાને આરોપીઓ સામે ખૂન કેસ ઈ.પી.કો. કલમ 302, 114 ના ગુનાની ફરિયાદ દાખલ થઈ હતી.

આ ગુનાનો સેશન્સ કેસ નં. 158/2015 મે.અરવલ્લી જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટ, મોડાસામાં દાખલ થયો હતો. આ કેસમાં ન્યાયાધીશે બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરતાં આરોપીઓના સગા-સબંધીઓમાં ખુશી ફેલાઇ હતી.ફરિયાદમાં ત્રુટીઓ અને જુદી જુદી હકીકતો બહાર આવી હતી જિલ્લામાં આ ચર્ચાસ્પદ ચક્ચારી સેશન્સ કેસના કામે નામદાર સેશન્સ કોર્ટમાં સિનિયર એડવોકેટ હીરાભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા બનાવ વખતે હાજર પોલીસ સાહેદો, પંચ સાહેદો, ડૉક્ટર તેમજ પોલીસ અધિકારીઓની વિગતે જુબાનીઓ લેવામાં આવી હતી તદઉપરાંત સ્થળે બનાવ વખતે અન્ય વાહનો ડ્રાઈવર કંડક્ટર, પેન્સજર હોવાનું બહાર આવ્યું હતું.

બચાવ પક્ષના એડવોકેટ હીરાભાઈ એસ. પટેલે ઝીણવટભરી ઉલટ તપાસ કરી ફરિયાદ પક્ષના સાહેદોના પુરાવાને ન માની શકાય તેવો શંકાસ્પદ બતાવવામાં તેમજ ફરિયાદ કહેવાતા બનાવ પછી હકીકતો તેમજ મૃતક એ.કે.વાળાને ડાયાબિટીસ હોવાની તેમજ સ્થળે તટસ્ય સાહેદોની હાજરી હોવા છતાં તે બાબતનો કોઈ પુરાવો ન હોવાથી તેમજ સમગ્ર પોલીસ તપાસ મહત્વના મુદ્દા ઉપર શંકાસ્પદ હોવાનું રેકર્ડે લાવી, નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટના કેસના અનુસંધાને મહત્વના મુદ્દાપર ચુકાદાઓ રજૂ કરી બચાવ પક્ષના સિનિયર વકીલ હીરાભાઈ એસ. પટેલ, ગોરધનભાઈ એમ. પટેલ, અંકિત પટેલે વિસ્તૃત ધારદાર દલીલ રજૂ કરતાં અરવલ્લી જિલ્લાના મે. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એચ.સી.વોરા એ તા. 26 નવેમ્બર ના રોજ ચુકાદો આપી આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કરતાં વર્ષો પછી આરોપીઓને જેલ મુક્તિ મળવાનો આદેશ કર્યો હતો.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી