અમદાવાદ : પલ્લવ ચાર રસ્તા પાસે BRTSની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

પેપર વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયાનું BRTSની અડફેટે મોત

અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું છે. બીઆરટીએસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલકનું મોત થયું છે. પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે સાડા છ વાગ્યાની આસપાસ જેલાભાઈ રબારી (ઉંમર 45 વર્ષ) રોજના સમય મુજબ પેપર વહેંચવા પોતાની એક્ટિવા પર નીકળ્યા હતા. તેઓ પોતાના રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે BRTS બસ ડેપોમાંથી બહાર નીકળીને આવતી હતી. આ બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી, ત્યારે બસે એક્ટિવા પર જઈ રહેલા જેલાભાઈને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં જેલાભાઈ 10 ફૂટ સુધી ઉછળ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. 

ઘટના બાદ ડ્રાઈવર બસમાંથી ઉતર્યો પણ ન હતો અને તરત ત્યાંથી ભાગી ગયો હતો. ઓવરસ્પીડમા અને રોન્ગ સાઈડમાં બસ હંકારતા ડ્રાઈવરને કારણે ત્રણ બાળકો નોંધારા બન્યા છે. ત્રણ બાળકોના પિતા જેલાભાઈ પેપર વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ સવારે નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. તો બીજી તરફ, જેલાભાઈના પરિવારજનો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સુધી ડ્રાઈવર નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ ઉઠાવી દેવાય તેવી માંગણી તેમના પરિવારજનોએ કરી હતી. જ્યાં સુધી ડ્રાઈવરને પોલીસ દ્વારા હાજર કરવામાં નહિ આવે ત્યા બેસીને ધરણા કરશે. તેઓએ ન્યાય માટે મૃતદેહ પાસે બેસ્યા હતા. સવારે સાડા છ વાગ્યાનો બનાવ હતો, જેમાં આઠ વાગ્યા સુધી કોઈ અધિકારી ઘટના સ્થળ સુધી ફરક્યા ન હતા.

 95 ,  1