નારોલ સર્કલ નજીક દેહવ્યાપાર કરતી મહિલાની ઘાતકી હત્યા

અજાણ્યાં શખ્સો છરીના ઘા મારી ફરાર, ઇસનપુર પોલીસે હાથધરી તપાસ

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. દેહવ્યાપાર કરતી મહિલાને બે અજાણ્યા શખ્શોએ ધારદાર હથિયારના ધા મારી ફરાર થઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. આ મામલે ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

મૂળ કલકત્તાની રહેવાસી અને વટવા વિસ્તારમાં રહેતી મહિલા નારોલ સર્કલ ખાતે દેહવ્યાપારનું કામ કરતી હતી. ગત રોજ રાત્રિના સમયે મહિલા નારોલ સર્કલ નજીક ઉભી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઇ ગયા હતા. હુમલા બાદ મહિલા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી. મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ એલજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.

આ મામલે ઇસનપુર પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 98 ,  1