ગાંધીનગર : સેકટર-27ના બગીચા પાસે યુવકની ઘાતકી હત્યા

તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને ઉતારી દીધો મોતને ઘાટ

ગાંધીનગરમાં સેકટર-27ના બગીચા પાસેથી યુવકની કરપીણ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગળા તેમજ શરીરના અન્ય ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી અજાણ્યા શખ્સોઓ ઘાતકી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાની જાણ થતાં જ સેકટર-21 પોલીસની ટીમ અને LCB ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી. તપાસ દરમ્યાન મૃતક યુવક ફાઈવ સ્ટાર હોટલ ‘લીલા’માં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ મામલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરની ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય દેવાંશ પ્રાણનાથ ભાટિયાની હત્યા કરાયેલી હાલતમાં સેકટર-27ના બગીચા પાસેથી લાશ મળી આવી હતી. મૂળ બરોડા બી/702,દર્શનમ એપાર્ટમેન્ટ, વાસણા ભટાલીનો રહેવાસી 25 વર્ષીય દેવાંશ પ્રાણનાથ ભાટિયા નામનો યુવાન જુલાઈ મહિનાથી ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલ ‘લીલા’માં રિસેપ્શન કાઉન્ટર પર ફરજ બજાવતો હતો. દેવાંશ સેકટર-27માં આવેલા એક મકાનમાં ભાડે રહેતો હતો.

શુક્રવાર વહેલી સવારે સેકટર-27 બગીચાના કોર્નર પાસે આવેલી ચાની કીટલી નજીક દેવાંશની લોહીથી લથપથ લાશ પડી હતી. લાશ અંગે કીટલીવાળાએ પોલીસને જાણ કરતા સેકટર-21 પોલીસની ટીમ અને LCB ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક વસાહતીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. જીન્સ અને ટી શર્ટ પહેરેલ દેવાંશનાં ડાબી બાજુના જડબાથી સહેજ નીચે ગળાના ભાગે આશરે ત્રણ ઈંચ ઊંડો તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરાયો હતો. તેમજ છાતીના ભાગે પણ ઘા કરાયો હતો.

હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી તો બીજી તરફ સેકટર-21 પોલીસની ટીમ અને LCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીઓેને ઝડપી પાડવા તરવીજ હાથ ધરી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી