દહેગામમાં ફેક્ટરી માલિકની ઘાતકી હત્યા, પાઇપના ફટકા મારી ઉતારી દીધા મોતને ઘાટ

કાતિલ પરપ્રાંતિય મજૂરે ખેલ્યો ખૂની ખેલ, ઘટના સીસીટીવીમાં કેદ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં હત્યાની ઘટના સામે આવી છે. GIDCમાં આવેલ શ્રી હરિ ફેક્ટરીના માલિકની પાઇપના ઉપરાછાપરી ફટકા મારી પરપ્રાંતિય મજૂર ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પરપ્રાંતિય મજુરે લૂંટના ઇરાદે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે. ત્યારે આ મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.

વિગત મુજબ, દહેગામમાં આવેલી જીઆઇડીસીમાં શ્રી હરિ ફેક્ટરીમાં માલિક ગૌતમભાઇ ભગવાનભાઇ પટેલની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સવારે ઓપરેટર દિલીપસિંહ ગાંભુજી પરમાર ફેક્ટરી પર આવતા માલિકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય મજુરે જ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

15 દિવસ પહેલા પરિવાર સાથે ફેક્ટરીમાં નોકરી આવેલા મજૂરે માલિકના માથામાં પાઇપના 10થી વધુ ફટકા મારી ખૂનની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઇ છે. ત્યારે આરોપી પરપ્રાંતિય મજૂરે લાખોની લૂંટ કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જો કે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. ત્યારે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 35 ,  1