બંટી-બબલી ગણતરીની સેકન્ડમાં 260 ગ્રામની પાયલ લઈને રફુચક્કર

ઘટના સીસીટીવીમાં કેદ, કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી

શહેરના પૂર્વ વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના ખરીદવાના બહાને ચોરી કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં કેટલાક દિવસ અગાઉ એક બંટી-બબલી જ્વેલર્સમાં ગણતરીની મિનિટોમાં 260 ગ્રામની પાયલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ મામલે કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંટી-બબલીની તપાસ શરૂ કરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દેવાભાઇ ઘાંચીએ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ મારુતિ કોમ્પલેક્ષમાં છેલ્લા બે વર્ષથી સોના-ચાંદીના દાગીનાનો શૉ રૂમ ધરાવે છે. 30મી ડીસેમ્બરના દિવસે બપોરના સમયે તેઓ અને તેમના ભાઈ દુકાન પર હાજર હતા તે દરમિયાન આશરે 40થી 45 વર્ષના બંટી-બબલી તેમની દુકાનમાં આવ્યા હતા. બંનેએ પગની પાયલ જોવા માંગી હતી. તેથી દેવાભાઇએ બે ત્રણ જોડી પગની પાયલ બતાવી હતી. આ દરમિયાન બંટી બબલીએ તેમની નજર ચૂકવીને 260 ગ્રામની પાયલ સેરવી લીધી હતી. ત્યારબાદમાં બંને પલાયન થઇ ગયા હતા.
17મી જાન્યુઆરીએ તેમણે સ્ટોકની ગણતરી કરતા પાયલનો હિસાબ મળ્યો ન હતો. જેથી તેમને આ બંટી-બબલી સામે શંકા ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે, આ બંટી-બબલીએ તેમની નજર ચૂકવી પાયલની ચોરી કરી છે. જેની જાણ થતાં જ ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા અને વેજલપુરમાં પણ આ જ રીતે ખરીદીના બહાને ચોરીની ઘટના થોડા સમય પહેલાં જ પ્રકાશમાં આવી હતી.

 35 ,  1