બાયડ : હઠીપુરા ખારી ગામ પાસે મહિલા અને બાળકની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ

માતા-પુત્રની હત્યાથી ખળભળાટ, ગુનાનો ભેદ ઉકેલવા પોલીસનો ધમધમાટ

અરવલ્લી જિલ્લાના બાયડમાં વધુ એક સાથે બે હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. હઠીપુરા ખારી ગામ પાસેથી મહિલા અને બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં ફફડાટ ફેલાઇ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પહોંચી તપાસમાં લાગી ગયો હતો. પ્રાથમિક તપાસમાં માતા પુત્રની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મામલો પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

વિગત મુજબ, બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવારે બપોરે હત્યા કરાયેલી મહિલા તથા બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી હતી. બાળકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. તો મહિલાના શરીરના ભાગે તેમજ આંખમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

માતા પુત્ર તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે. ૫૧ વર્ષીય માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી છે. બંને મૃતદેહોને કોણ કેવી રીતે ફેંકી ગયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટિમો તપાસ કરી રહી છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી