September 19, 2021
September 19, 2021

નારદ- નારાયણ..નારાયણ..ઇટ્સ ઓન્લી હેપન્સ ઇન ઇન્ડિયા…!

રાણેની ધરપકડ કરી ઠાકરેએ પોતાની જુની ભડાસ કાઢી..

રાણેની ધરપકડ બાદ અર્નબ ગોસ્વામી ફફડી ગયા હશે…?

રાણે બોલવામાં વિવેક ચૂક્યા- ઠાકરે ને આપા ખો દિયા..

ઉદ્ધવ-રાણેની દુશ્મની જયલલિતા-કરૂણાનિધિ જેવી બની ગઇ..?

હવે અનિલ દેશમુખ-પરમબીરસિંગની ધરપકડ થાય તો…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

બાળાસાહેબ ઠાકરેની શિવસેના પાર્ટીમાં શાખા પ્રમુખ તરીકેની રાજકિય કારકિર્દી શરૂ કરનાર, શિવસેના-ભાજપની સંયુક્ત સરકારના એક સમયના મુખ્યમંત્રી, શિવસેના છોડીને અલગ પાર્ટી અને ત્યારબાદ છેલ્લે કોંગ્રેસ થઇને ભાજપમાં જોડાઇને કેન્દ્રના મંત્રી બનેલા સૂક્ષ્મ-લઘુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગ મંત્રી મરાઠી માનૂસ 69 વર્ષિય નારાયણ રાણેની સાથે મહારાષ્ટ્રમાં 24 ઓગસ્ટના રોજ જે થયું તેનાથી ઘણાંને તામિલનાડુમાં જયલલિતા અને કરૂણાનિધિની વચ્ચેના અંગત રાજકિય વેરઝેરની યાદ આવી જ હશે. ન આવી હોય તો ગૂગલબાબા નવરા જ છે, સર્ચ કરશો તો જણાશે કે કરૂણાનિધિ સીએમ બન્યા એટલે જયલલિતા જેલમાં…જયલલિતા સીએમ બન્યા એટલે રાણેને પરાણે ઢસડીને પકડી લાવવા જે રીતે ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસુ પોલીસ અધિકારીઓને મોકલ્યા એ રીતે તામિલનાડુમાં કરૂણાનિધિ અને અન્યોના ઘરોમા ઘૂસીને ઢસડીને પકડવામાં આવ્યાં. અને જેલમાં નાંખવામાં આવ્યાં હતા… રાણે નશીબદાર કે ગઇકાલે રાત્રે જ જામીન મળી ગયા, નહીંતર આખી રાત લોકઅપમાં …..

તામિલનાડુમાં અંગત દુશ્મનાવટ રાખનારા આજે બન્ને નેતા નથી. જયલલિતા અને કરૂણાનિધિ હેવનમાં એકબીજાથી મોઢુ ફેરવીને બેઠા હશે…! મહારાષ્ટ્રના રાજકારણમાં તામિલનાડુની જેમ અંગત વેરઝેરનું નવુ રાજકારણ શરૂ થઇ ગયુ હોય તેમ પોતની સામે કોઇ બોલે એટલે ઢગલાબંધ પોલીસ કેસો કરી દેવાનાં. 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં કરેલા સંબોધનમાં સીએમ ઠાકરે બોલતા બોલતા ભૂલી ગયા કે ભારતની આઝાદીને કેટલા વર્ષ થયા અને ચાલુ ભાષણે તેઓ સહેજ પાછળ ફરીને એક અધિકારીને પૂછે છે અને પછી આંકડો કહે છે. આ લાઇવ દ્રશ્ય જોઇને તાજા તાજા કેન્દ્રીય મંત્રી બનેલા અને શિવસેનામાં હતા ત્યારથી જ ઉદ્ધવના પહેલાથી જ કટ્ટર વિરોધી એવા રાણેએ એમ કહ્યું કે આવા સીએમ….? જેમને દેશની આઝાદીને કેટલા વર્ષ થયા તે પણ યાદ નથી…? હું ત્યાં હોત તો કાનની નીચે એક ઝાપટ મારી દેત….!

રાણે ભલે ઠાકરેને ઝાપટ ના મારી શક્યા પણ ઠાકરેએ શિવસેનામાં પોતાનો વિરોધ કરનાર, અબ આયા ઉંટ પહાડ કે નીચે… અને ન્યાયતંત્રમાંથી રાણેને કોઇ રાહત મળે તે પહેલાં તાત્કાલિક તેઓ જ્યાં હતા ત્યાં તેમને જમતાં જમતા ઉપાડીને સીધા પોલીસ સ્ટેશનમાં….! 25 ઓગસ્ટના અખબારોની હેડલાઇન-કેન્દ્રીયમંત્રી રાણેની ધરપકડ…..! કદાજ પહેલીવાર આ રીતે કોઇ કેન્દ્રીયમંત્રીની આ રીતે અપમાનજનક રીતે ધરપકડ થઇ હશે.

કહેનારા તો એમ પણ કહે છે કે રાણેએ સીએમ ઠાકરેની વિરૂધ્ધ આવુ બોલવુ જોઇતુ નહોતું. સ્વાભાવિક છે કે કોઇને આંકડા યાદ ન રહેતા હોય. એટલે કાચુ કપાઇ ના જાય એટલા માટે સીએમ ઠાકરેએ નજીક ઉભેલા અધિકારીને પૂછ્યું. ભાંગરો વાટવો અને જીભ લપસી પડે, કંઇ અલગ બોલાઇ જાય એના કરતાં પૂછીને પંડિત થવાય એ નાતે ઠાકરેએ માનવ સહજ ભાવે પૂછ્યું તો એમાં રાણેનો ગુસ્સો શિવસેનાની પુરાની રંજીશ….અંગત અદાવત….આણે મને શિવસેનામાંથી કઢાવ્યો હતો….એમ મનમાં વિચારીને ન બોલવાનું બોલ્યા અને ન થવાના ભોગ બન્યા…!

રાણે કેન્દ્રીયમંત્રી એટલે સ્થાનિક પોલીસ તેમની ધરપકડ ના કરી શકે….તેના નિયમો છે…એમ પણ ઘણાંએ કહ્યું. પણ મહારાષ્ટ્ર પોલીસે આ બધુ વિચારીને અને કાયદાના જાણકારોનો અભિપ્રાય મેળવીને જ કાર્યવાહી કરી હશે. એટલે તો કોર્ટમાંથી રાણેને કોઇ રાહત ના મળી અને રાણેને જન આશિર્વાદ યાત્રામાં ઠાકરે “આશિર્વાદ” મેળવીને સીધા પોલીસયાત્રામા જવુ પડ્યું…

હવે શું…? તમિલનાડુનું પુનરાવર્તન…? ભવિષ્યમાં રાણે સત્તામાં હોય, હાલમાં સત્તામાં તો છે પણ ઠાકરે જેટલી સત્તા નથી એટલે ભવિષ્યમાં રાણે પોતે સીએમ બને તો ઠાકરે જેલમાં…? બની શકે. કેમ કે મહારષ્ટ્રમાં હવે બધુ અવનવુ..અટપટુ…અજબગજબ…અજૂબા….ગજૂબા…તું અંદર જા…એવુ શરૂ થયું છે. રાણેની સાથે જે થયું તેનો પડઘો પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના કેસ પર પડી શકે. બની શકે કે કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી સમક્ષ હાજર થવા, વારંવાર સમન્સ મોકલવા છતાં હાજર નહીં રહેનાર દેશમુખની પણ આ જ રીતે કેન્દ્રીય સુરક્ષા બળના જવાનોને સાથે રાખીને ધરપકડ થઇ શકે.

ઇડી દ્વારા દેશમુખની ધરપકડ થાય એટલે દેશમુખ સામે 100 કરોડની વસૂલીનો આરોપ લગાવનાર અને આરોપ લગાવ્યાં બાદ જેમની સામે ખંડણી સહિતના પાંચ પાંચ પોલીસ ફરિયાદ-એફઆઇઆર છતાં હજુ જેમની ધરપકડ થઇ નથી એવા મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહની પણ આ જ રીતે ધરપકડ થાય તો નવાઇ નહીં…! મરાઠાકિંગ અને કિંગમેકર શરદ પવારની સામે પણ ઇડીએ, બેંક ગોટાળાનો આરોપ મૂકીને એક કેસમાં ચૂંટણીઓ વખતે જ ધરપકડ કરવાનું આયોજન બનાવ્યું હતું. પણ પવારે ટેકેદારો સાથે ઇડીને ઓફિસની બહાર જઇને એવો પાવર બતાવ્યો કે શરદ પવાર આરામમાં છે…અને ઇડી તેમની રાહ જુવે રહી છે ગોટાળા કેસમાં…

ઓવર ટુ બંગાલ… બંગાળમાં પણ લગભગ લગભગ મહારાષ્ટ્ર જેવુ છે. મમતાદીદીએ પોતાની સાથે દગો કરીને ભાજપમાં જોડાઇને પોતને હરાવનાર સુવેન્દુ અધિકારી સામે પોલીસ કેસો કરાવ્યાં કે થયા છે પણ હજુ તેમની ધરપકડ થઇ નથી. બંગાળમાં ફરી મમતાદીદી સીએમ બનતા કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ જુના નારદ કેસમાં મમતાના 4 મંત્રીઓની ધરપકડ કરી હતી… બંગાળમાં ભાજપને મમતાદીદીની પોલીસ પર જરા પણ વિશ્વાસ નથી એટલે સુવેન્દુને ઝેડ પ્લ્સ સુરક્ષા અને બીજા તમામ ભાજપી ધારાસભ્યોને કેન્દ્રીય સુરક્ષા દળની અલગ અલગ કેટેગરીના સુરક્ષા પૂરી પાડી છે…સુવેન્દુની પણ રાણેની જેમ ધરપકડ થાય તો નવાઇ નહીં..

બની શકે કે નારાયણ રાણેમાંથી બોધપાઠ લઇને કોઇ વિપક્ષી નેતા કોઇ સીએમની સામે કમસે કમ આવુ બોલવાની હિંમત તો નહીં જ કરે..કેમ કે કહેવત છે કે સત્તા આગળ શાણપણ નકામુ….એ રાણે બરાબર સમજી ગયા હશે. અને આ ઘટના પછી ઠાકરેની સામે પડેલા અને જેમની બે વર્ષ જુના કેસમાં આ જ રીતે ઘરમાંથી પરાણે ઢસડીને લઇ જઇને ધરપકડ કરી જેલની હવા ખાઇને આવનાર અર્નબ ગોસ્વામી ફફડી ગયા હશે..કેમ કે તેમની સામે ટીઆરપી કાંડનો કેસ છે અને હજુ તેમની ધરપકડ થઇ નથી. જે દિવસે તેઓ રાણે જેવુ કાંઇ બોલ્યા કે…..

નારાયણ રાણેની ઘટના બાદ…

હાથમાં વીણા લઇને નારદમુનિ- નારાયણ…નારાયણ… પ્રભુ…બધુ હેમ અને ખેમ તો છે ને…?આમ ઉદાસ કાં બેઠા છો પ્રભુ…નારાયણ…નારાયણ…

પ્રભુ- મુનિવર, મારૂ નામ નારાયણ નારાયણ જરા ધીમેથી બોલો…! સાંભળ્યું છે કે પૃથ્વીલોક પર કોઇ ઠાકરેવત્સ નારાયણની સામે પડ્યા છે…! ક્યાંક મારી પણ ધરપકડ ના કરી લે…! હે, મુનિવર…ઠાકરે સે નો પંગા..તો સબકુછ ચંગા…!!


નારદમુનિ- પ્રભુ…સાવ સાચુ કહ્યું. એક કચોરી દો સમોસા…ઠાકરે તેરા ક્યા ભરોસા…(મોટેથી)નારાયણ નારાયણ…

પ્રભુ- મુનિવર….ધીરે ધીરે નારાયણ બોલ.. ઠાકરે સુન ના લે…સુન ના લે કોઇ સુન ના લે..! અને લાવ એક કચોરી અને બે સમોસા…!

 47 ,  1