September 24, 2020
September 24, 2020

રાજકોટમાં કોલ સેન્ટર પર દરોડા, વિદેશીઓને ધાક ધમકી આપી પૈસા ખંખેરતા

ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી એક મહિલા સહિત નવને ઝડપી લીધા

રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા આલ્ફા કોમ્પ્લેક્સમાં ચાલતા કોલ સેન્ટર પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો અમેરિકા નાગરિકોના ડેટા મેળવી કોલ કરી ધાક ધમકી આપી કે અન્ય કોઈપણ પ્રકારે તેમને શીશામાં ઉતારી રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે 10 કોમ્પ્યુટર, 2 લેપટોપ, મોબાઇલ સહિત 3 લાખની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના રૈયાટેલિફોન એક્ષચેંજ નજીક આવેલા આલ્ફા પ્લસ કોમ્પલેક્ષના આઠમાં માળે ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હોવાની ક્રાઇમબ્રાંચને બાતમી હતી. બાતમી મળતાં જ  ક્રાઇમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઈ એચ.બી.ધાંધલિયા તથા સ્ટાફના રઘુવીરસિંહ વાળા,રાજેશ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા,પ્રદીપસિંહ જાડેજા,સુભાષ ઘોઘારી સહિતનાએ દારોડા પાડ્યા હતા.

પોલીસે પુછપરછ કરતાં છેતરપીંડીના આંતરરાષ્ટ્રિય નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તમામ આરોપીઓ નાગાલેન્ડ, હરિયાણા,મુંબઈ અને દિલ્હીના વતની હોવાનું જાણવા મળ્યું છે. મુંબઇના એક શખ્સ દ્વારા આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું પુછપરછમાં સામે આવ્યું છે.

મળતી વિગત મુજબ, કોલ સેન્ટરમાં બેસતા શખ્સો એક ખાસ સોફ્ટવેરના મારફતે અમેરિકા અને કેનેડામાં રહેતા લોકોને મોબાઈલમાં મેસેજ મોકલતા હતા. વિદેશી લોકોને ફસાવી દેવાની ધાક ધમકી આપી નાણાની માંગ કરતા હતા.

આ શખ્સો ડોલરને બદલે ગેંગ વોલમાર્ટ સહિતના વાઉચર મંગાવતા હતા અને તે વાઉચર મળે તેને વટાવી ભારતીય ચલણ હાથવગું કરી લેતા હતા. પોલીસે દરોડા દરમિયાન અહીંથી કોમ્પ્યુટર, ઈન્ટરનેટ રાઉટર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આ બોગસ કોલ સેન્ટર પાછળ કોણો હાથ છે. કોના કહેવાથી મુંબઇના શખસે રાજકોટમાં કોલ સેન્ટર શરૂ કયુ હતું તે સહિતની ક્રાઇમ બ્રાન્ચે પુછપરછ શરૂ કરી છે.

 83 ,  1