PSI-LRD ભરતીના ઉમેદવારોને એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ, જાણો વિગત

 ઉમેદવારોને ટપાલ દ્વારા ભરતી બોર્ડને અરજી કરવા સૂચન 

રાજ્યમાં PSI અને LRDની ભરતી માટે કોલ બે દિવસ પહેલા જાહેર થઈ ગયા છે. અનેક ઉમેદવારોએ બે અરજી કરી હોવાના કારણે તેમને એક કરતા વધુ કોલ લેટર મળ્યા છે ત્યારે ભરતી પ્રક્રિયામાં એક કરતા વધુ મળેલા કોલ લેટર રદ કરાવવા માટે અરજી કરવાની રહેશે. PSI-LRD ભરતીના ઉમેદવારો માટે આ સૂચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. ભરતી વડા હસમુખ પટેલ ટ્વીટર પર પણ સતત માહિતી આપી રહ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારો માટે સરળતાથી આ સૂચના ઉપલબ્ધ કરાવી છે. અહીંયા કેટલીક મહત્ત્વની સૂચના અને કોલ લેટર રદ કરાવવા માટે શું કરવું તેની માહિતી આપવામાં આવી છે.

એક કરતા વધુ કોલ લેટર મળ્યા છે તેમણે શું કરવું : જે ઉમેદવારો ને એકથી વધારે કોલલેટર મળેલ છે તેઓએ ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2021.in પર આપેલા નમુના મુજબના ફોર્મ માં ભરતી બોર્ડને ટપાલથી અરજી કરવાની રહેશે. રૂબરૂ આવી સમય અને નાણાંનો વ્યય કરવાની જરૂર નથી. ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે. આ અરજી શારીરિક કસોટીના 3 દિવસ પહેલાં મળવી જરૂરી છે.

જે ઉમેદવારને બે કોલલેટર મળેલ છે તેઓએ પહેલા આવતી તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે અને બીજો કોલ લેટર રદ કરવા માટે બોર્ડને અરજી કરવાની રહેશે. પહેલા આવતી તારીખે શારીરિક કસોટી ન આપનાર ઉમેદવાર પછીની તારીખે શારીરિક કસોટી આપી શકશે નહીં.

બે કોલ લેટર પર પરીક્ષા આપનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે

નોંધનીય છે કે, ભરતી બોર્ડ દ્વારા આ મામલે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એકથી વધુ કોલ લેટર મળ્યા હોય તેવા ઉમેદવારને જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે અને અન્ય કોલલેટરને રદ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બંને કોલલેટર ઉપર ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને આગામી PSI અને LRDની ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકારની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે.

નામ-અટકમાં ભૂલ થઈ હતી તો

જે ઉમેદવારોને પોતાના નામ, પિતા/પતિનું નામ અને અટકમાં અરજી કરતી સમયે ભુલ થયેલ છે તેવા ઉમેદવારને જે કોલલેટર મળેલ છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાથી પરીક્ષા આપી શકે છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી