વસ્ત્રાપુરમાં પૂરપાટે કાર હંકારી બે લોકોને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

ગ્રામ્ય કોર્ટે મર્સડીઝ ચાલકને 6 માસની કેદ તથા રોકડ દંડ ફટકાર્યો

ગત 22 જુલાઈ 2015ના રોજ વસ્ત્રાપુર આઈઓસી પેટ્રોલપંપ સામેના ચાર રસ્તા પાસે મર્સડીઝ કાર ચાલકે ત્યાંથી પસાર થતા એકટીવા ચાલક સહીત બે જણાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં સદનસીબે એકટીવા ચાલક અને અન્ય એક વ્યક્તિનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જે કેસ સંદર્ભમાં ગ્રામ્ય કોર્ટે મર્સડીઝ ચાલકને 6 માસની કેદ તથા રોકડ દંડ ફટકાર્યો હતો.

2015 માં બનેલી અકસ્માતની ઘટનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. જેમાં એકટીવા ચાલક મોહિત રાધાણી અને તેમના મિત્ર અર્જુનભાઈ પુજારાને વસ્ત્રાપુર આઈઓસી પેટ્રોલપંપ સામેના ચાર રસ્તા પાસેથી પૂરપાટે જતી એક મર્સડીઝ કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં મોહિત રાધાણી અને અર્જુનભાઈ પુજારા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાબતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ધીરુભાઈ. જે. પરમારે નવ સાક્ષીઓ અને 16 દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર કર્યો હતો.

સરકારી વકીલ ધીરુભાઈ. જે. પરમારની મજબૂત દલીલોના આધારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનાં જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ તૃપ્તિબેન. એ. ભાડજાએ મર્સડીઝના ચાલક મૃદુલ અશ્વિનભાઈ પટેલને ગુનેગાર ઠરાવી 6 માસની કેદ તથા 1500 દંડ ફટકાર્યો હતો. કોર્ટે બે ઈજાગ્રસ્તોને આરોપી પાસેથી રૂ.5000 લેખે વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો હતો.
 

 65 ,  1