રાજકોટ તરછોડેલી બાળકીનો મામલો, સગીર દીકરીના કોઈ સાથે સંબંધ થતા રહ્યો ગર્ભ

પોલીસે સગીરા સહિત માતા-પિતાની કરી ધરપકડ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે શનિવારે સવારે એક નવજાત બાળકી મળી આવી હતી. આ મામલે પોલીસે શરુ કરેલી તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાળકી મળ્યા બાદ શરુ થયેલી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાળકીને એક સગીરાએ જન્મ આપ્યો છે. 

વિગત મુજબ, બાળકીને જન્મ આપનાર માતા સગીરા છે. તેનો પરીવાર મધ્યપ્રદેશથી રાજકોટ મજૂરી કામ કરવા આવ્યો છે. સગીરાને કોઈ સાથે સંબંધ થતા તેને ગર્ભ રહ્યો હતો. જ્યારે સગીરાએ બાળકીને જન્મ આપ્યો ત્યારે તેના માતાપિતાએ બાળકીને તરછોડી દીધી હતી. આ મામલે હવે પોલીસે હાલ સગીરાના માતાપિતાની ધરપકડ કરી છે અને એ વ્યક્તિની શોધખોળ શરુ કરી છે જેણે સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા. 

રાજકોટ ગ્રામ્ય પોલીસવડા બલરામ મીણાના જણાવ્યા મુજબ, પડધરીના નાના ખીજડિયા ગામ ખાતેથી મળી આવેલી નવજાત બાળકી અંગે ફરિયાદ નોંધી પોલીસ-તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલીક હકીકત સામે આવી છે અને એના આધારે બાળકીને જન્મ આપનારી તેની સગીર વયની માતા અને તેનાં માતા-પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ-તપાસમાં નવજાત બાળકીને જન્મ આપનારી સગીરા ખામટા ગામની ખેતમજૂરી કરતા પરિવારની તરુણી હોવાનું સામે આવ્યું હતું અને તેણે બાળકીને જન્મ આપતાં આવનારા દિવસોમાં લગ્ન કરાવવામાં સમાજમાં મુશ્કેલી ન થાય એ માટે માતા-પિતાએ સાથે મળી તેને ત્યજી દેવા નિર્ણય કર્યો હોવાની કબૂલાત માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી છે.

 79 ,  1