September 23, 2021
September 23, 2021

વડગામ ભાજપ તાલુકા પ્રમુખને હટાવો…! ભાજપના બેફાટ નેતાઓ સામે યુવાનોનો જંગ

ચૌધરી સમાજ વિરુદ્વ કરવામાં આવેલી ટીપ્પણીનો મામલો

સમાજ વિરૂદ્વ નિવેદન સાંખી લેવા હવે આજની યુવા પેઢી તૈયાર નથી

બનાસકાંઠાના વડગામ તાલુકાના ભાજપના પ્રમુખ પ્રવીણસિંહ રાણા દ્વારા ચૌધરી સમાજ વિરુદ્વ કરવામાં આવેલી ટીપ્પણીનો મામલો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. ચૌધરી સમાજના યુવાનો દ્વારા ટ્વીટર પર છેલ્લા 3 દિવસથી એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

#વડગામભાજપતાલુકાપ્રમુખનેહટાવો… એવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 3 દિવસમાં હજારો ટ્વીટ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ ભાજપને ટેગ કરીને કરવામાં આવી રહ્યાં છે. અહમમાં મદ એવા સી.આર. પાટીલની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રતિદિન હાજારોની સંખ્યાં ટ્વીટ કરવામાં આવી રહ્યાં છે. ટ્વીટ અભિયાનથી ભાજપ ભીંસમાં મુકાયું છે. ભાજપના અહમી નેતા સી.આર. પાટીલની કામગીરી પર સવાલ ઉઠવા લાગ્યા છે. પક્ષમાં જ પાટીલના કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. કોઈ પણ સમાજનો રોષ વહોરી લેવો ભાજપ માટે ભારે પડી શકે છે. ચૌધરી સમાજના આગેવાનોને જેમ તેમ જવાબ આપી પાટીલ છટકબારી શોધી રહ્યાં છે. પરંતુ પોતાના ખોટા સિક્કાને હટાવવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે પાટીલના અહમ સામે ચૌધરી સમાજના સન્માનની આ લડાઈ હવે મોટું રૂપ લઈ રહી છે. દરેક સમાજના લોકો ચૌધરી સમાજના યુવાનીની ઝુંબેશમાં સામેલ થઈ રહ્યાં છે. ભાજપના નેતાઓ છાશવારે નાના સમાજની વિરૂદ્વમાં અપમાનજનક નિવેદન કરતા રહે છે.

લોકોનું માનવું છે કે, ભાજપના નેતાઓ કોઈ પણ સમાજ વિરુદ્વ બોલવામાં ખચકાતા નથી. નાના સમાજની સતત અવગણના કરી રહ્યાં છે. ભાજપના નેતાઓમાં 25 વર્ષની સત્તાનો અહમ દેખાઇ રહ્યો છે. ત્યારે સમાજ વિરૂદ્વ કરવામાં આવતા એલફેલ નિવેદન સાંખી લેવા હવે આજની યુવા પેઢી તૈયાર નથી. પાટીલ અને ભાજપને શાન ઠેકાણે લાવવા માટે હજારોની સંખ્યાં ટ્વીટ થઈ રહ્યાં છે. આજે આ લડાઈ ભાજપના અહમ વિરુદ્વ સમાજના સન્માનની બની ચૂકી છે. આગામી દિવસોમાં આ લડાઈ સોશિયલ મીડિયાથી રસ્તાઓ પર આવી મોટું સ્વરૂપ ધારણ કરશે. ભાજપ પોતાના નેતાને બચાવવા માટે ચૌધરી સમાજની માગ સામે આંખ આડા કાન ભલે કરી રહ્યું હોય પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપ સામે લોકો આંખ આડા કાન કરશે ત્યારે તેની શાન ઠેકાણે આવશે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વડગામ TDOની ગીર સોમનાથ ખાતે રાજકીય રીતે બદલી કરાવ્યા બાદ વડગામ ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ રાણાની ફાકા ફોદ્દારીની એક ઓડિયો ક્લીપ સામે આવી હતી. આ ઓડિયો ક્લીપમાં તેઓ TDOએ પોતાનું કામ ન કરતા તેમની બદલી કરાવી હોવાની વાત અંગે અન્ય એક TDO સાથે વાત કરી રહ્યાં હતા. આ ઓડિયો ક્લીપ સામે આવ્યા બાદ ચૌધરી સમાજ દ્વારા પ્રવીણસિંહ રાણા માફી માગે અને તેમને ભાજપના તાલુકા પ્રમુખના પદેથી હટાવવા માટે માગ કરવામાં આવી હતી.

ચૌધરી સમાજના રોષ સામે પ્રવીણસિંહ રાણાએ સમાજની માફી માગતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં માફી માગી ન હતી. બીજી તરફ ચૌધરી સમાજના આગેવાનો દ્વારા ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને ત્યારે બાદ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત કરતા તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા હવે ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર અને ભાજપના કાર્યાલયોના ઘેરાવના કાર્યક્રમ અગામી દિવસોમાં કરવામાં આવશે. ભાજપ પર કાર્યવાહીનું દબાણ વધી રહ્યું છે. કારણે કે, ચૌધરી સમાજની આ લડાઇમાં અન્ય સમાજના લોકો પણ જોડાવા લાગ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પણ ચૌધરી સમાજની માગને સમર્થન અને લડાઈમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.

 20 ,  1