અભિનેત્રી માહી ગીલની વેબસીરીઝ ફિક્સરના શુટિંગ દરમ્યાન હુમલો: 7ની ધરપકડ

મુંબઈના મીરાં રોડ પર ચાલી રહેલ વેબસીરીઝ ફિક્સરના શુટિંગ દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સોએ દારૂ પીધેલી હાલતમાં ઘુસી આવી કલાકારો તેમજ ક્રૂ મેમ્બર્સ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

આ સમગ્ર ઘટનાનો એક વિડીયો દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જે સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે. તેમણે કેપ્શનમાં જણાવ્યું છે કે, “મીરાં રોડ પર જયારે આ હુમલો થયો ત્યારે હું સ્થળ પર હાજર હતો. અચાનક દારૂ પીધેલી હાલતમાં કેટલાક શખ્સોએ યુનિટ પર હુમલો કર્યો. કેમેરામેન સંતોષ થુદીયાલને 6 ટાંકા આવ્યા છે.” ટીવી નિર્માત્રી એકતા કપૂરે પણ આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ સાથે જ વિડીયોમાં માહી ગીલ અને અન્ય એક શખ્સ સાકેત સાહનીએ પણ ઘટના વિશે વિસ્તારથી જણાવતા કહ્યું કે અમે પરમીશન લઇ લીધી હતી અને સવારે 7 વાગ્યાથી અમે શૂટ કરી રહ્યા હતા પરંતુ સાંજે 4 વાગે અમુક શખ્સો લાકડી, સળિયા લઈને આવ્યા અને અમારા કલાકારોને મારવા લાગ્યા. હુમલાખોરોએ કહ્યું કે આ જગ્યા અમારી છે અને અમારી પરવાનગી વિના અહીં કોઈ શુટિંગ ન કરી શકે.

ઉલ્લેખનીય છે કે  ટ્વીટર પર સમગ્ર ઘટનાની વિગતો જોઈ મુંબઈ પોલીસે તેમને રીપ્લાય કર્યો અને ફરિયાદ થાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરવામાં આવી છે તેમ જણાવ્યું. આ સાથે જ પોલીસે આ મામલે 7 લોકોની અટકાયત પણ કરી છે. ફિલ્મની ટીમ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસને પણ મળવા જશે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી