વિજ્ઞાનની દુનિયામાં ક્રિસમસની ઉજવણી : James Webb સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ

Video : NASAએ અંતરિક્ષમાં મોકલી નવી આંખો

દેશ-વિદેશમાં ધરતી ક્રિસમસની ઉજવણી થાય છે પણ આજે વિજ્ઞાનની દુનિયામાં પણ ક્રિસમસની ઉજવણી થઈ છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASAએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ આજે સફળતાપૂર્વક લોન્ચ કરી દીધુ છે. અગાઉ ઘણી વખત લોન્ચિંગ મોફૂફ થયા પછી હવે શનિવારે સવારે 7.20 કલાકે લોન્ચિંગ સમય (ભારતીય સમય મુજબ સાંજે 5થી 6 વચ્ચે) લોન્ચ કરવામાં આવ્યું છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ આ કામમાં નાસાને મદદ કરી છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ હબલ ટેલિસ્કોપની જગ્યા લેશે. અવકાશમાં તૈનાત આ આંખો બ્રહ્માંડના દૂર હાજર આકાશગંગાઓ, એસ્ટેરોયડ, બ્લેક હોલ્સ, ગ્રહો, એલિયનન ગ્રહો, સૌર મંડળો વગેરેની શોધ કરશે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને બનાવવામાં 10 હજાર વૈજ્ઞાનિકોની મહેનત છે. અંતરિક્ષમાં તૈનાત આંખ માનવ દ્વારા નિર્મિત સૌથી મૂલ્યવાન આંખો છે જેને અંતરિક્ષની બારી પણ કહી શકાય છે.

NASAએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને (Ariane 5 ECA) રોકેટથી લોન્ચ કર્યું છે. લોન્ચિંગ ફ્રેન્ચ ગુએના સ્થિત કોરોઉ લોન્ચ સ્ટેશન છે.JWST રોકેટના ઉપરી હિસ્સામાં લગાવેલુ છે.

આ ટેલિસ્કોપ અત્યંત મહાત્વાકાંક્ષી અને નાસાના સમાનવ ચંદ્ર મિશન પછીનું સૌથી મહત્વનું મિશન છે. ટેલિસ્કોપનું બજેટ જ 10 અબજ ડોલર (750 અબજ રૂપિયા અથવા 75 હજાર કરોડ) જેટલું છે. આ રકમ ખાસ્સી મોટી છે. એટલી બધી મોટી કે વર્ષ 2021-22ના બજેટમાં સમગ્ર ભારતનું હેલ્થ બજેટ તેના જેટલું (73 હજાર કરોડ) હતું. બીજી રીતે સરખામણી કરીએ તો કહી શકાય કે ગુજરાતના કુલ બજેટનો લગભગ ત્રીજા ભાગ જેટલી આ રકમ છે. તેના આધારે જ અંદાજ લાગી શકે કે આ ટેલિસ્કોપ પાછળ નાસાએ પૈસા ઉપરાંત જીવ રેડી દીધો છે.

નાસાનું હબલ સ્પેસ ટેલિસ્કોપ ઉપગ્રહની માફક ધરતીથી ઊંચે ભ્રમણકક્ષામાં રહીને 1990થી બ્રહ્માંડના ખાંખાખોળાં કરી રહ્યું છે. એ ટેલિસ્કોપ હવે નિવૃત્તિના આરે છે. તેનું સ્થાન લેવા માટે જેમ્સ વેબને ખાસ તૈયાર કરાયું છે. અલબત્ત જેમ્સ વેબ કાર્યરત થશે એટલે હબલનુ કામ બંધ નહીં થાય. હબલના સંશાધનો ચાલતા રહેશે ત્યાં સુધી એ સક્રિય રહેશે. પરંતુ દૂરના બ્રહ્માંડમાં ખાંખાખોળાં કરવાનું કામ જેમ્સ વેબ સંભાળી લેશે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તેના લોકેશનના કારણે અન્ય બીજા સ્પેસ ટેલિસ્કોપથી અલગ પડે છે. સામાન્ય રીતે સ્પેસ ટેલિસ્કોપ ધરતીથી ઊંચે લો-અર્થ ઓરબિટમાં ગોઠવાતા હોય છે. જ્યારે જેમ્સ વેબ તો ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર ગોઠવવાનું છે. આ અંતર અત્યંત વધારે છે અને ત્યાં ટેલિસ્કોપ ગોઠવવું એ બહુ મોટો પડકાર છે. માટે જ નાસા આ મિશનને 1969ના સમાનવ ચંદ્રમિશન પછીનું સૌથી મહત્વનું મિશન ગણે છે. આટલુ દૂર હોવાથી આ ટેલિસ્કોપ રિપેરેબલ નથી. એટલીસ્ટ અત્યારે તો રિપેરેબલ નથી એવુ જ નાસા કહે છે, શક્ય છે કે ભવિષ્યમાં રોબોટિક મિશન દ્વારા એ કામ શક્ય બને. તો પણ હાલના તબક્કે રિપેરેબલ કહી શકાય એમ નથી. હબલ સ્પેસ ટેલિસ્કોપ તો એકથી વધારે વાર રિપેર કરવામાં આવ્યું છે. એટલે જ આજે 31 વર્ષે કડેધડે છે. જેમ્સ વેબનું આયુષ્ય 5 વર્ષ નિર્ધાર્યુ છે, જ્યારે મહત્તમ એ 10 વર્ષ સુધી કામ આપે એવી નાસાની આશા છે.

હબલ સ્પેસ ધરતીથી સરેરાશ 570 કિલોમીટરની ઊંચાઈએ કક્ષામાં રહીને ભ્રમણ કરે છે. તેનો મુખ્ય અરીસો સાત ફીટ 10 ઈંચના વ્યાસનો છે. જ્યારે જેમ્સ વેબનો મુખ્ય અરીસો 21 ફીટ વ્યાસનો છે. આ અરીસો વળી 18 નાના ષટકોણ અરીસા ભેગા કરીને બનાવાયો છે. અરીસાવજનમાં બહુ હળવી એવી બેરીલિયમ ધાતુના બનેલા છે, જેના પર સોનાનું પડ ચડાવેલું છે છે. સોનાનુ પડ હોવાથી દૂરથી આવતા ઈન્ફ્રારેડ કિરણો સારી રીતે ઝીલી શકાશે. આ સોનાનુ પડ જોકે આપણા વાળ કરતા હજારમાં ભાગનું જ છે. એટલે વપરાયેલુ કુલ સોનુ તો માંડ 48 ગ્રામ છે. મુખ્ય અરીસાનું વજન જ 705 કિલોગ્રામ છે. અરીસાનું કામ દૂરના બ્રહ્માંડમાંથી આવતા કિરણો ઝીલવાનું છે. એ કિરણો ટેલિસ્કોપ ઝીલી કમ્પ્યુટર સુધી મોકલે જ્યાં તેનો અભ્યાસ થાય.

સરખામણીની વાત કરીએ તો જેમ્સ વેબ હબલ ટેલિસ્કોપ કરતા 100 ગણુ વધારે પાવરફૂલ છે. લોન્ચ થયાના 6 મહિના સુધીમાં જેમ્સ વેબ બ્રહ્માંડનો ખૂણેખૂણો તપાસી શકશે. કોઈ પણ ક્ષણે 39 ટકા બ્રહ્માંડ તેની રેન્જમાં રહેશે.

 92 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી