સરદાર સાહેબ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ દેશના નકશામાં ન હોત : CM રૂપાણી

ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ગાંધીનગરમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જયંતિ પ્રસંગે મુખ્ય મંત્રીએ પુષ્પાજંલિ અર્પણ કરીને ભાવ વંદના કરી હતી. આ પ્રસંગે સીએમ રૂપાણીએ દેશમાં પ્રાંત, જાતિ, ધર્મ, ભાષા અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ ન રહે અને એક રાષ્ટ્ર – શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા શપથ લેવડાવ્યા હતા.

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દેશ માટે સરદાર સાહેબના યોગદાન નું સ્મરણ કરતાં દેશવાસીઓમાં ઐક્યનો ભાવ વધુને વધુ પ્રસરે અને સૌ શ્રેષ્ઠ ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધે તેવું આહવાન કર્યું હતું.

સીએમ રૂપાણી એ ઉમેર્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકેની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. તે પરંપરા આજે પણ ચાલું છે.

કેવિડયા ખાતે દેશના વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. તેની સાથે સાથે ગુજરાતના વિવિધ સ્થળો એ પણ ગુજરાતના સપૂત અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત અને આજે દેશનો નકશો કંઇક જુદો જ હોત.

વિજય રૂપાણીએ કહ્યું કે તે સમયે કાશ્મીરની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી ન હતી અને કાશ્મીર ની સમસ્યા જે અત્યાર સુધી રહી તેને ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી અને હવે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. આતંકવાદનો પણ ત્યાં સફાયો થયો છે.

આ પુષ્પાજંલિ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ વાડીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ વગેરેએ પણ સરદાર સાહેબને અંજલિ આપી હતી.

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશન રતનકંવર ગઢવીચારણ, અધિક નિવાસી કલેકટર એચ.એમ.જાડેજા, ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ.ભોરણિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.એસ.દવે સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર