September 26, 2022
September 26, 2022

કેન્દ્રને સિંહ કરતા વાઘ વધુ વ્હાલા, સિંહ પાછળ 23.17 કરોડ, વાઘ માટે 1010.69 કરોડ ફાળવ્યા !

છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં એશિયાટિક સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો હોવા છતાં સિંહના સંવર્ધન પર રાજ્ય સરકાર કોઈ અસરકાર પગલાં લઈ શકી નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ઉદાસીન છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સંકલિત વન્યજીવન રહેણાંક વિકાસ યોજના (સી.એસ.એસ.-આઇ.ડી.ડબલ્યુ.એચ.) હેઠળ કેન્દ્ર સરકારે પાછલાં ત્રણ વર્ષોમાં સિંહના સંવર્ધન માટે રૂ. 23.16 કરોડ, હાથી માટે રૂ. 75.86 કરોડ અને વાઘ માટે રૂ.1010.69 કરોડ આપ્યા છે. ભારત સરકારે ગુજરાત સરકાર સાથે મળીને કુલ રૂ. 97.85 કરોડના અંદાજપત્ર ધરાવતા એક પ્રોજેક્ટ એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે.

મંત્રીના નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વર્ષ 2016-17, 2017-18 અને 2018-19માં અનુક્રમે રૂ. 1.09 કરોડ, રૂ. 2.24 કરોડ અને રૂ. 19.83 કરોડ આપ્યા હતા. તેવી જ રીતે, સી.એસ.એસ.-પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત રૂ. 21.20 કરોડ, રૂ. 24.90 કરોડ અને રૂ. 29.76 કરોડ આ જ સમયગાળામાં આપ્યા હતા. સી.એસ.એસ.-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.44 કરોડ છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા.

મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ગીરમાં એશિયાઇ સિંહોના રક્ષણ માટે ગુજરાત સરકારે કાનૂની, વહિવટી અને નાણાંકીય જોગવાઈઓ કરી છે. કાનૂની જોગવાઈમાં વધારાના સિંહ વસવાટ વિસ્તારને અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવાનો સમાવેશ થાય છે. નાણાંકીય જોગવાઈઓ રક્ષણ અને તકેદારી, માળખાકીય સુવિધાઓ, પરિવહન/સંવાદ, આરોગ્ય માટેની માળખાકીય સુવિધાઓ અને માનવ-પ્રાણી ઘર્ષણ ઘટાડવાનાં પગલાંઓ માટે કરવામાં આવી છે.

વન વિભાગે એશિયાઇ સિંહોના સંવર્ધન માટે લીધેલાં પગલાંઓ, છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સાથે-સાથે વાઘ અને હાથીઓના સંવર્ધન માટે આપવામાં આવેલી રકમ અને સરકાર સિંહો અને હાથીઓના નિદાન માટે આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાનું નિર્માણ કરવા વિચારી રહી છે કે કેમ તે અંગે સાંસદ પરિમલ નથવાણી જાણવા માંગતા હતા.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી