Parliament Session: હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ પાસ, રાહુલનો સરકાર પર હુમલો

‘ચર્ચા સે ડરતી હૈ સરકાર…’ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

સંસદમાં શરૂ થયેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષનો ભારે હોબાળો જોવા મળ્યો. બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી. જો કે લોકસભામાં આજે નવા કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ રજુ કરવામાં આવ્યું અને હોબાળા વચ્ચે પાસ પણ થઈ ગયું.

સંસદના બન્ને ગૃહોમાંથી કૃષિ કાયદાની વાપસીનું બીલ પસાર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા મોટું નિવેદન આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે સરકારે કૃષિ કાયદા પાછા ખેંચવા જ પડશે અને આજે આ કાયદાને રદ કરી દેવાયા. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચર્ચા વગર કૃષિ કાયદાઓને રદ કરવામાં આવ્યાં. સરકાર ચર્ચા કરતા ડરે છે. 

મોદી સરકારે સંસદમાં ચર્ચા વગર બન્ને ગૃહોમાં  કૃષિ કાયદાની વાપસીનું બીલ પસાર કરાવ્યું છે. છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે સંસદમાં  Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. 

અત્રે જણાવવાનું કે શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ થાય અને શાંતિ પણ હોય. સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. લોકસભાને આવતી કાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી