ઓહ ગોડ તુસ્સી ગ્રેટ હોજી..કર કુછ ઐસા કી સુરંગ મેં ફસે સભી ચલ કર બાહર આયે…!!

ચમૌલી-તપોવન-સુરંગ-35 જિંદગીઓ અને તેમને બચાવવા 900 જવાનો મેદાનમાં…

બરેલીનો શિવમ આજે પણ કેદારનાથ જાય છે પોતાના પિતાને શોધવા…!

હોનારતની નજીક ઉંચાઇ વિશા સરોવર બની ગયું, ફાટે તો બીજી આપદા…!

ચીલીમાં 700 મીટર નીચે ફસાયેલા 33 જણાંને 30 દિવસ પછી જીવતા બહાર લાવી શકાયા..!

સુરંગમાં ફસાયેલા આપણાં ભાઇભાંડુને બચાવવા પ્રાર્થના-દુવા-પ્રેયર કરીએ…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ઉત્તરપ્રદેશના બરેલીના દુર્ગાનગરમાં રહેનાર શિવમ સકસેનના પિતા ઇન્સ્પેક્ટર યોગેન્દ્ર કુમાર કંચન 2013માં પવિત્ર યાત્રાધાન કેદારનાથની યાત્રાએ ગયા હતા. પરંતુ ઘરે પાછા ફરી શક્યા નહીં. કેદારનાથમાં આવેસા પ્રચંડ પૂરમાં તેઓ ખોવાઇ ગયા. તેમની જેમ કેટલાય યાત્રાળુએ 2013ની એ કેદારનાથ હોનારતમાં લાપતા થઇ ગયા. લાપતા થયેલા પૈકીના કોઇ પરિવારજનો તેમને શોધવા માટે કેદારનાથ જાય કે ના જાય પણ બરેલીનો શિવમ દર વર્ષે પોતાના પિતાને શોધવા કેદારનાથ જાય છે- ક્યા પતા કોઇ ચમત્કાર હો જાય ઔર વે જિવિત હો..એવી કોઇ આશા સાથે ત્યાં જઇને તેમનો ફોટો અનેક લોકોને બતાવે છે કે ક્યાંક કોઇ ભાળ મળે….

જ્યાં કેદારનાથ છે એ જ ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં 6 ફેબ્રુ.ના રોજ બરફના પહાડ તૂટી પડતા સર્જાયેલી હોનારત અને જેઓ તપોવન સુરંગમાં ફસાયેલા છે એમના પરિવારજનોની પીડા શિવમ સમજી શકે છે. તેઓ તે વખતે તેમના પિતાની રાહ જોતા હતા આજે સુરંગમાં ફસાયેલા લોકોના પરિવારજનો રાહ જોઇ રહ્યાં છે અને બચાવ સ્થળે જઇને સત્તાવાળાઓને રડતા રડતા પૂછી રહ્યાં છે કે સુરંગમાં ફસાયેલાઓને ક્યારે બચાવી લેવાશે…!

લગભગ એક સપ્તાહ થવા આવ્યો છે તપોવન સુરંગમાં ફસાયેલાઓને. ટીવી મિડિયા દ્વારા સુરંગના દ્રશ્યો જોઇએ તો સુરંગ મોટી અને પહોળી છે. જેસીબી મશીન જેવા યંત્રો અને વાહનો અંદર જઇ શકે એટલી પહોળી છે. પરંતુ મુશ્કેલી એ છે કે એ દિવસે નજીકની ઉંચાઇ પર ગ્લેશિયર-બરફના પહાડ ફાટતા કે તૂટતા ઉંચાઇએથી પાણીનો પ્રવાહ માટી-પત્થરો-વૃક્ષો અને જે કોઇ રસ્તામાં આવ્યું તેને પોતાની સાથે તાણીને રૈણી ગામ થઇને આખા વિસ્તારમાં ફરી વળ્યા. પાણી વહી ગયું પણ કાદવ-કિચડ કે મલબાના થરના થર સુરંગમાં ભરાઇ ગયા…! તેને કાઢવાની કામગીરીની સાથે અંદર ફસાયેલા 30થી 35 કર્મચારીઓ-અધિકારીઓને બચાવવા સુરંગની ઉપર ડ્રીલીંગ કરીને કાણુ પાડવાનો પ્રયાસ પણ થયો જેથી તેમાંથી જવાનોને નીચે સુરંગમાં ઉતારી શકાય અને જ્યાં લોકો ફસાયેલા હોવાનું મનાય છે ત્યાં સુધી પહોંચે અને જ્યાં બોરહોલ કરવામાં આવ્યો ત્યાંથી જ તેમને બહાર ખેંચી લેવાય.

પરંતુ તેમાં સફળતા મળી નથી. ડ્રીલીંગ કરતી વખતે વચ્ચે ખડકો આવતાં મશીન તૂટી ગયું. અને હવે બીજા ઉપાયો પર સેનાના ઉચ્ચ અધિકારીઓ સહિત આખી બચાવ ટીમ કામ કરી રહી છે તો નજીકમાં ધૌળી ગંગા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. એક સાંધે ત્યાં તેર તૂટે..એ કહેવત અહીં લાગૂ પડી રહી છે.જ્યાંથી પાણીનો ધોધ આવ્યા તેના રસ્તામાં રૂકાવટો આવતા તેની ઉપરના ભાગે વિશાળ તળાવ બની રહ્યો છે અને જો તે ફાટશે કે પાણીનું સ્તર વધે તે ફરીથી એ જ જગ્યાએ હોનારત સર્જવાની નવી મુશીબત ગામવાસીઓ પર તોળાઇ રહી છે…!!

ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આફત બાદ 34 લોકો 1.6 કિલોમીટર લાંબી ટનલમાં રવિવારે સવારે ફસાયા છે. . આ ઘટનાને 6-7 દિવસ થઈ ગયા છે પરંતુ તેમના સુધી પહોંચી શકાયું નથી. 25 ફૂટ પહોળી અને એટલી જ ઊંચી ટનલમાં ભરાયેલો કાટમાળ દૂર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલી ટીમોની કોશિશ છે કે જલદીમાં જલદી તેમાં ફસાયેલો કાટમાળ દૂર કરી શકાય. ભલે સમય પસાર થતા અંદર શું સ્થિતિ હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પરંતુ કોઈ ચમત્કાર થવાની આશા બચાવ દળના જવાનો અને જેઓ અંદર ફસાયેલા છે તેમના પરિવાજનો રાખી રહ્યાં છે.

“આશા એક સારી બાબત છે, આશા સૌથી સારી બાબતોમાંથી એક છે.. અને કોઈ સારી બાબત ક્યારેય મરતી નથી.” આ આશા એઠલા માટે પણ છે કે ભૂતકાળમાં દુનિયામાં ઘણી સુરંગોની અંદર ફસાયેલા લોકોને કાઢવા માટે કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા મળતી જોવા મળી છે. એક સમયે અંદર ફસાયેલા લોકો જીવતા બહાર કાઢવા મુશ્કેલ લાગતા હતા પરંતુ જ્યારે તેમના સુધી પહોંચ્યા તો બધું સહીસલામત હતું. ચમોલીની સુરંગમાં પણ આવો ચમત્કાર થવાની આશા છે, જેવી વર્ષ 2010માં ચીલીમાં અને 2016માં ચીનમાં જોવા મળી હતી.

લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. 5 ઓગસ્ટ 2010એ ચિલીમાં કોપર-સોનાની ખાણનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. 33 લોકો જમીનથી લગભગ 700 મીટર નીચે ફસાયેલા હતા. તેઓ જ્યાં ફસાયા હતા તે જગ્યા ખાણના મુખ્ય ભાગથી લગભગ 5 કિલોમીટર દૂર હતી. શરુઆતમાં ખાણના માલિકે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પછી સરકારી કંપનીઓએ ઓપરેશન શરુ કર્યું. ઓપરેશન દરમિયાન બોરહોલ્સ કરવામાં આવ્યા. 17 દિવસ પછી એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે, ‘શેલ્ટરમાં અમે તમામ 33 લોકો સલામત છીએ……!!.’

ચિઠ્ઠી મળ્યા પછી બમણા ઉત્સાહ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરાયું પરંતુ અડચણો ઘણી હતી. ડ્રિલિંગ માટે ત્રણ ટીમો હતી, ચિલીની આખી સરકાર એક જ કામ સાથે જોડાયેલી હતી. NASAથી લઈને દુનિયાની ઘણી એજન્સીઓએ સહયોગ કર્યો હતો. આખા રેસ્ક્યુ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, આખી દુનિયાની તેના પર નજર હતી. 13 ડિસેમ્બરે ડ્રિલિંગની તેમના સુધી પહોંચી ગઈ. એક ખાસ પ્રકારની કેપ્સ્યુલમાં તેમને એક-એક કરીને બહાર કાઢવામાં આવ્યા…..!!

25 ડિસેમ્બર 2016એ ચીનમાં જિપ્સમની એક ખાણ ધસી પડી હતી. જેમાં 29 કર્મચારીઓ અલગ-અલગ જગ્યાઓ પર ફસાઈ ગયા હતા. આગામી દિવસે 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિને મૃત જાહેર કરાઈ હતી. બાકી લોકો વિશે 30 ડિસેમ્બરે પહેલી વખત ખબર પડી કે તેઓ જીવતા છે. આ પછી એક-એક કરીને બોરહોલ દ્વારા ખાવાનું, કપડા અને અનાજ પહોંચાડવામાં આવ્યું. રેસ્ક્યુ દરમિયાન વારંવાર ખાણ ધસી પડવાના કારણે અડચણો આવી રહી હતી. 36 દિવસ બાદ 4 લોકોને એક રેસ્ક્યુ કેપ્સ્યુલ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકી લોકો વિશે કોઈ માહિતી ના મળી…..

જૂન-2018માં થાઇલેન્ડની એક ગુફામાં ફૂટબોલ ટીમના છોકરાઓ ફસાઇ ગયાની ઘટના પણ તાજી છે. ગુફામાં અંદર ગયા બાદ વરસાદી પાણી ભરાઇ ગયું. અને તેમને બહાર કાઢવા માટે પાણીનો જ્થ્થો ગૂફામાંથી ખેંચવા ભારતની કિર્લોસ્કર કંપનીના બેવી વોટર પંપ મોકલવામાં આવ્યાં અને ગુફામાંથી પાણીનો જથ્થો બહાર કાઢીને તમામ બાળકોને બેહોશ કરીને દોરડાથી બાંધીને બહાર લાવવામાં આવ્યાં હતા.

ઉત્તરાખંડમાં પણ તપોવન સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સરકાર-સેના-પોલીસ-સ્કાઉટ વગેરે. સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યાં છે. સુરંગમાં તેઓ જિવિત હશે એમ ચોક્કસ આશા રાખીએ. સુરંગમાં ફસાયેલા આપણાં જ ભાઇભાડુઓના જીવન માટે આપણે દેવી-દેવતા, ઇશ્વર, ખુદા, અલ્લાહ, ઇશુ ખ્રિસ્ત તમામને પ્રાર્થના કરીએ, દુવાઓ કરીએ, ચર્ચમાં કેન્ડલ પ્રજ્જવલ કરીને પ્રેયર કરીએ, ગુરૂ ગ્રંથ સાહેબનો પાઠ કરીએ…કે તેઓ હેમખેમ જીવતાં બહાર આવે અને બરેલીના શિવમને ભલે તેમનો પિતા મળી શક્યા નથી, પણ સુરંગમાં ફસાયેલા લોકો બહાર આવીને રાહ જોતાં તેમના પરિવારજનોને ભેટી પડે…!! કેવુ હશે એ દ્રશ્ય…!!

ઘડિયાળના કાંટે કાંટે ભારે જહેમત ઉઠાવીને વિપરીત સંજોગોમાં મુશ્કેલ જગ્યાએ કામ કરી રહેલા બચાવ દળના જવાનો, નિરાશ ના થશો..હતાશ ના થશો…કેમ કે- રાત ભર કા હૈ મહિમા અનેરા..કિસકે રોકે રૂકા હૈ સવેરા…!! હોપ કે તમામ હેમખેમ બહાર આવે….ઓહ ગોડ તુસ્સી ગ્રેટ હોજી..ચલા કુછ ઐસા ચક્કર કી મેરે લોગ સુરંગ સે ચલ કર બાહર આયે…!!

-દિનેશ રાજપૂત

 53 ,  1